Gujarat

રિંગ રોડ પર માર્જિન બહાર પાર્ક કરાવાયેલાં 126 વાહન ટો કર્યા પણ નિયમો તોડતા કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી નહીં

ટ્રાફિક સમસ્યાથી ગ્રસ્ત એવા રિંગ રોડ પર પીળા પટ્ટાની બહાર વાહનો પાર્ક કરાવીને ઉઘરાણી કરી રહેલા કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે. જો કે, છેલ્લા બે દિવસથી આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાને બદલે 126 વાહનો ટો કરી લેવાયાં હતાં.

પાલિકાના અધિકારીઓ સાથેની મિલિભગતમાં કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે છતાં પાલિકા કે પોલીસ કોઈ જ પગલાં ભરતા નથી. કાપડ માર્કેટના સંગઠન ફોસ્ટાએ આ મુદ્દે પાલિકાને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.

સહારા દરવાજાથી કમેલા દરવાજા સુધીના રોડ પર પાલિકા પાસેથી પાર્કિંગનો ઈજારો મેળવનારા કોન્ટ્રાક્ટરો રોડ પર તેમજ નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરાવીને લાખો રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે, જેથી લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી થાય છે.

અનેક માર્કેટોએ પાલિકાને આ બાબતે રજૂઆતો કરી હતી છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે પાર્કિંગ કોન્ટ્રાક્ટરો બિંદાસ્તપણે બેફામ ઉઘરાણી કરતા થઈ ગયા છે.

દરમિયાન ફોસ્ટા (ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઈલ એસોસિએશન) દ્વારા આ બાબતે પોલીસ વિભાગને રજૂઆત કરતાં પોલીસે વાહનો ટો કરાવી લીધાં હતાં.