જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઇટ્રા) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્લુફ્લેગ શિવરાજપુર બીચ પર 10 જૂને કોમન યોગ પ્રોટોકોલનું નિદર્શન યોજાયું.

આ કાર્યક્રમમાં ઇટ્રાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરીની આગેવાની હેઠળ સંસ્થાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે ભાગ લીધો. વિદ્યાર્થીઓ અને સ્વસ્થવૃત્ત-યોગ વિભાગના કર્મચારીઓ સહિત કુલ 250 લોકોએ યોગ નિદર્શનમાં ભાગ લીધો.

આયુષ મંત્રાલય, ભારત સરકાર હેઠળની આ સંસ્થાએ લોકોમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય સુધારવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું. વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને એક દશક પૂર્ણ થશે. વિશ્વભરમાં યોગ પ્રત્યે વધી રહેલા ઉત્સાહને ધ્યાનમાં રાખી, શિવરાજપુર બીચ પર યોજાયેલું આ નિદર્શન લોકોને યોગ અપનાવવા પ્રેરણા આપશે.