Gujarat

વૃદ્ધના મિત્રને મદદ કરવા આવેલા શખ્સે કાર્ડ બદલી 1 લાખ ઉપાડ્યા

નડિયાદમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે ATM કાર્ડ બદલીને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મંજીપુરા રોડ પર રહેતા 63 વર્ષીય મુળજીભાઈ રોહિત 16 મે ના રોજ સરદારની પ્રતિમા પાસે હતા. તેમને પૈસાની જરૂર પડતા મિત્ર ઈશાકભાઈને ATM કાર્ડ આપી પૈસા ઉપાડવા મોકલ્યા હતા.

ઈશાકભાઈ નજીકના BOB ATM સેન્ટર પર ગયા ત્યાં એક વ્યક્તિએ મદદ કરવાના બહાને ચાલાકીથી ATM કાર્ડ બદલી નાખ્યું હકું. ઈશાકભાઈ પૈસા ન નીકળ્યા હોવાનું કહી પરત આવ્યા હતા. બાદમાં ગઠિયાએ બે દિવસમાં 10-10 હજારના 10 ટ્રાન્જેક્શન કરી કુલ 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

મુળજીભાઈને જ્યારે ખબર પડી ત્યારે તેમણે ATM કાર્ડ તપાસ્યું તો તે અન્ય વ્યક્તિનું નીકળ્યું હતું. તેમણે તરત જ બેંકમાં જઈને ખાતું બ્લોક કરાવ્યું હતું. ઈશાકભાઈએ જણાવ્યું કે ATM સેન્ટરમાં મદદ કરનાર વ્યક્તિએ કાર્ડ બદલી નાખ્યું હશે. મુળજીભાઈએ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.