Gujarat

કેબિનેટે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા ઇથેનોલની ખરીદી માટેની કાર્યપ્રણાલીને મંજૂરી આપી – ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) ૨૦૨૪-૨૫ માટે જાહેર ક્ષેત્રની ઓએમસીને પુરવઠા માટે ઇથેનોલની કિંમતમાં સુધારો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ ભારત સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અંતર્ગત ૧ નવેમ્બર, ૨૦૨૪થી શરૂ કરીને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) ૨૦૨૪-૨૫ માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) માટે ઇથેનોલ ખરીદીની કિંમતમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે.

તદનુસાર, ઇથેનોલ પુરવઠા વર્ષ ૨૦૨૪-૨૫ (૧ નવેમ્બર ૨૦૨૪થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૫) માટે સી હેવી મોલાસ (સીએચએમ)માંથી મેળવેલા ઇબીપી પ્રોગ્રામ માટે ઇથેનોલની એક્સ-મિલ કિંમત પ્રતિ લિટર રૂ. ૫૬.૫૮ થી રૂ. ૫૭.૯૭ નક્કી કરવામાં આવી છે.

આ મંજૂરીથી ઇથેનોલના સપ્લાયર્સ માટે કિંમતમાં સ્થિરતા અને વળતરદાયક કિંમતો પ્રદાન કરવાની સરકારની સતત નીતિ સુલભ થવાની સાથે સાથે ક્રૂડ ઓઇલની આયાત પરની ર્નિભરતા ઘટાડવામાં, વિદેશી હૂંડિયામણમાં બચત કરવામાં પણ મદદ મળશે અને પર્યાવરણને લાભ થશે. શેરડીના ખેડૂતોના હિતમાં, ભૂતકાળની જેમ, જીએસટી અને પરિવહન ખર્ચ અલગથી ચૂકવવાપાત્ર રહેશે. સીએચએમ ઇથેનોલની કિંમતોમાં ૩ ટકાનો વધારો થવાથી સંવર્ધિત મિશ્રણ લક્ષ્યાંકને પહોંચી વળવા ઇથેનોલની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.

સરકાર ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અમલમાં મૂકી રહી છે, જેમાં ઓએમસી ૨૦ ટકા સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ કરે છે. આ કાર્યક્રમનો અમલ સમગ્ર દેશમાં વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે થઈ રહ્યો છે. આ હસ્તક્ષેપ ઊર્જા આવશ્યકતાઓ માટે આયાત પરાધીનતા ઘટાડવા અને કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે પણ પ્રયત્ન કરે છે.

છેલ્લાં ૧૦ વર્ષ દરમિયાન (૩૧.૧૨.૨૦૨૪ સુધી) જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ થવાને પરિણામે આશરે રૂ.૧,૧૩,૦૦૭ કરોડથી વધારે વિદેશી હૂંડિયામણ અને કાચા તેલની અવેજીની અંદાજે રૂ.૧,૧૩,૦૦૭ કરોડની બચત થઈ છે.

જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા ઇથેનોલનું મિશ્રણ ઇથેનોલ પુરવઠા વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૮ કરોડ લિટરથી વધીને (ઇએસવાય – અત્યારે ઇથેનોલ પુરવઠાનાં સમયગાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે એક વર્ષનાં ૧ નવેમ્બરથી આગામી વર્ષનાં ૩૧ ઓક્ટોબર સુધીનાં ગાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે) વધીને ઇએસવાય ૨૦૨૩-૨૪માં ૧૪.૬૦ ટકાનું સરેરાશ મિશ્રણ હાંસલ કરીને ૭૦૭ કરોડ લિટર થયું છે.

સરકારે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલના મિશ્રણના લક્ષ્યાંકને અગાઉ વર્ષ ૨૦૩૦થી વધારીને ઇએસવાય ૨૦૨૫-૨૬ કર્યો છે અને “ભારતમાં ૨૦૨૦-૨૫માં ઇથેનોલના મિશ્રણ માટેની યોજના” જાહેર કરવામાં આવી છે. આ દિશામાં એક પગલા તરીકે, ઓએમસી ચાલુ ઇએસવાય ૨૦૨૪-૨૫ દરમિયાન ૧૮% મિશ્રણ પ્રાપ્ત કરવાની યોજના ધરાવે છે. તાજેતરના અન્ય સક્ષમકર્તાઓમાં ઇથેનોલ નિસ્યંદન ક્ષમતા વધારીને વાર્ષિક ૧૭૧૩ કરોડ લિટર કરવાનો સમાવેશ થાય છે.

ઇથેનોલની અછત ધરાવતાં રાજ્યોમાં ડેડિકેટેડ ઇથેનોલ પ્લાન્ટ્‌સ (ડીઇપી)ની સ્થાપના કરવા લાંબા ગાળાનાં ઓફ ટેક એગ્રીમેન્ટ્‌સ (એલટીઓએ) સિંગલ ફીડ ડિસ્ટિલરીઓને મલ્ટિ ફીડમાં રૂપાંતરિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે; ઇ-૧૦૦ અને ઇ-૨૦ ઇંધણની ઉપલબ્ધતા; ફ્લેક્સી ફ્યુઅલ વ્હિકલ્સ વગેરેનું લોન્ચિંગ. આ તમામ પગલાઓ વ્યવસાય કરવામાં સરળતા અને ભારતના ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં પણ વધારો કરે છે.

ઇબીપી કાર્યક્રમ હેઠળ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી દૃશ્યતાને કારણે દેશભરમાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ ડિસ્ટિલરીઝ, સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ સુવિધાઓનાં નેટવર્ક સ્વરૂપે રોકાણ થયું છે, ઉપરાંત રોજગારીની તકો અને વિવિધ હિતધારકો વચ્ચે દેશમાં મૂલ્યની વહેંચણી પણ થઈ છે.

તમામ ડિસ્ટિલરીઓ આ યોજનાનો લાભ લઈ શકશે અને તેમાંથી મોટી સંખ્યામાં ઇબીપી પ્રોગ્રામ માટે ઇથેનોલનો પુરવઠો પૂરો પાડશે તેવી અપેક્ષા છે. તેનાથી ફોરેક્સ બચત, ક્રૂડ ઓઇલની અવેજી, પર્યાવરણને લગતા લાભો અને શેરડીનાં ખેડૂતોને વહેલાસર ચુકવણીમાં મદદ મળશે.