Gujarat

અમદાવાદમાં ગુનેગારોએ હવે દર રવિવારે ક્રાઈમ બ્રાંચમાં હાજરી પુરાવવી પડશે

અમદાવાદમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ કમિશનર દ્વારા આજે ક્રાઈમ બ્રાન્ચમાં શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં દર રવિવારે શહેરના ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા આદેશ કરવામાં આવ્યો છે.

આજે પ્રથમ રવિવારે પોલીસ કમિશનરની હાજરીમાં 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા. જેમને પોલીસની ભાષામાં સમજાવવામાં આવ્યા છે.

વસ્ત્રાલમાં બનેલા અસામાજિક તત્વોના આતંકની ઘટના બાદ શહેર પોલીસ એકશનમાં આવી છે.પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

કુખ્યાત ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે તથા ગુનેગારોને નિયમિત પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવા માટેના પણ આદેશ કરવામાં આવ્યા છે.

આજે શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકની અધ્યક્ષતામાં અમદાવાદના તમામ ઉચ્ચ અધિકારીઓની ક્રાઈમ બ્રાન્ચમાં બેઠક મળી હતી.

આ બેઠક બાદ શહેરના ગુનેગારો પૈકી 353 ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચમાં હાજર કરવામાં આવ્યા હતા.આ તમામની પોલીસ કમિશનરની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે.આ ગુનેગારો અત્યારે કઈ પ્રવૃત્તિઓ કરે છે તેની પણ નોંધણી કરવામાં આવી છે.ગુનેગારોને પોલીસ દ્વારા પોલીસની જ ભાષામાં સમજાવવામાં પણ આવ્યા છે.

આજની બેઠકમાં પોલીસ કમિશનરે ગુનેગારોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે.હવેથી શહેરના તમામ ગુનેગારોએ દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી ભરવા જવું પડશે. ગુનેગારો અત્યારે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેની ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરશે.

જે ગુનેગાર હાજર ના રહે તેના ઘરે જઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે. ગુનેગાર નિયમિત હાજર રહે તો તેને પોલીસ દ્વારા ટ્રેક પણ કરવામાં આવશે.