શહેરના વાસણા-ભાયલી રોડ પર મનીષા ચાર રસ્તાથી આગળ ભાયલીને જોડતા માર્ગ સુધી પાલિકા દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી આ કામગીરીમાં બંને તરફના સર્વિસ રોડની હાલત ખૂબ જ દયનીય હાલતમાં છે, જેને પગલે સ્થાનિકો રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
રોજના 5 હજારથી વધારે વાહનો અવર-જવર કરે છે, છતાં સર્વિસ રોડ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું નથી.ડામર ન હોવાને કારણે પથ્થર, ધૂળ અને માટીથી સ્થાનિક વેપારીઓને દિવસમાં 4 વખત કચરો વાળવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
બીજી તરફ ખરાબ રોડને કારણે ટ્રાફિક જામ થવાની સાથે વાહનચાલકોના શ્વાસમાં ધૂળ જતાં ખાંસી અને શરદીની સમસ્યા થઈ રહી છે. કાર ચાલકને ડિસ્કો રોડથી આપદા પડી રહી છે. પાલિકાના નિયમ અનુસાર સર્વિસ રોડ ડામરવાળો બનાવ્યા બાદ બ્રિજની કામગીરી શરૂ કરવાની હોય છે, પરંતુ બંને તરફના રોડ કાર્પેટિંગ વગરના છે, જેને પગલે અકસ્માત પણ થઈ રહ્યા છે.
કોન્ટ્રાક્ટર દ્વારા ધૂળ ન ઊડે તે માટે બપોરે પાણી છાંટવામાં આવે છે, પરંતુ તે માત્ર 20-25 મિનિટમાં સૂકાઈ જાય છે. સાથે પાણી છાંટવાને કારણે રોડ ચીકણો થતાં ટુ-વ્હીલર ચાલકો નીચે પટકાય છે.

