Gujarat

જામનગરમાં મોબાઈલ શોરૂમમાંથી 15 ફોનની ચોરી

જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા એક મોબાઈલ શોરૂમમાંથી રૂ. 9.10 લાખની કિંમતના 15 મોબાઈલ ફોનની ચોરી થઈ છે. આ ચોરી શોરૂમના જ એકાઉન્ટન્ટ કિશન બાવરીયાએ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સમાં ‘યસ મોબાઈલ’ નામનો શોરૂમ ધરાવતા રાજેશ ઉર્ફે રાજુ ગોહિલે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, 5 જુલાઈ 2025 થી 17 નવેમ્બર 2025 ના સમયગાળા દરમિયાન જુદા જુદા સમયે આ 15 મોબાઈલ ફોન ચોરાયા હતા. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, શોરૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો કિશન બાવરીયા વેપારીની નજર ચૂકવીને ફોન ચોરી ગયો હતો.

હાલ તે ફરાર છે. સિટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે અને ફરાર એકાઉન્ટન્ટને શોધવાના પ્રયાસો ચાલુ છે.