સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે નશીલા પદાર્થોની હેરાફેરી વિરુદ્ધની ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચે ગોડાદરા વિસ્તારની એક OYO હોટેલ પર દરોડો પાડીને રાજસ્થાનના પાલી જિલ્લામાંથી એમડી ડ્રગ્સનું વેચાણ કરવા આવેલા 2 પેડલર ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 25.29 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ્લે 287900 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
OYO હોટેલમાંથી ડ્રગ્સ સાથે ધરપકડ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં આવેલા મીડાસ સ્કવેર કોમ્પ્લેક્સની OYO હોટેલમાં દરોડો પાડ્યો હતો. અહીંથી 2 આરોપીઓ (1) આકિબ જાવેદખાન સલીમ જાવેદખાન અને (2) દિનેશ જોધારામ જાટની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ MD ડ્રગ્સ, મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓ MD ડ્રગ્સના છૂટક વેચાણ માટે જ સુરત આવ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજસ્થાનના પાલીથી સુરત વેચવામાટે આવ્યા’તા પકડાયેલા આરોપીઓ રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંક્શનના રહેવાસી છે. પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે, આ MD ડ્રગ્સનો જથ્થો તેમણે રાજસ્થાનના પાલી જિલ્લાના ચોપડાનો રહેવાસી રાજુ બિસ્નોઈ નામના ઇસમ પાસેથી ખરીદ્યો હતો. એટલે કે, રાજસ્થાનથી ડ્રગ્સની ખરીદી કરીને તેને સુરત શહેરમાં યુવાનોને વેચવાની પેરવીમાં હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે NDPS એક્ટ હેઠળ વધુ એક ગુનો શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

