Gujarat

પૂર્વ VC બંગલો ન ખાલી કરતા વિધાર્થીઓ બંગલામાં ઘૂસ્યા, પોલીસ અને વર્તમાન ઈન્ચાર્જ VCની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામું આપનાર વિજયકુમાર શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલરનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યુ ન હોવાથી વિધાર્થીઓ આજે એકત્રિત થઈ હોબાળો મચાવી વાઇસ ચાન્સેલરના બંગલામાં ઘૂસી વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ પોલીસ અને વર્તમાન ઈનચાર્જ વાઈસ ચાન્સેલર પણ દોડી આવ્યા હતા.

વિદ્યાર્થીઓએ વિવાદી પૂર્વ VC સામે સૂત્રોચ્ચાર કર્યા પૂર્વ વાઇસ ચાન્સેલર આ બંગલો સમય મર્યાદામાં ખાલી ન કરવાના કારણે વડોદરાના સાસંદ દ્વારા આ મુદ્દે ગંભીરતા લીધી હોવા છતાં કોઇ જ પ્રત્યુત્તર ન આવતાં આખરે આજે વિદ્યાર્થીઓનું એક જૂથ વાઈસ ચાન્સેલર નિવાસસ્થાન ધન્વંતરી ખાતે મોડી સાંજે ધસી ગયુ હતુ.

વિદ્યાર્થીઓ દ્વારા વિવાદી પૂર્વ વાઈસ ચાન્સેલર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિ વધુ વકરે એ પહેલા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ અને પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા.

કાનૂની જંગમાં લપડાક પડે તે પહેલા રાજીનામું આપી દીધુ વિદ્યાર્થીઓ સાથે ભારે રકઝક બાદ આખરે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરફથી વિજય શ્રીવાસ્તવ 15મી સુધી સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી.

મ.સ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે સતત વિવાદોમાં રહેલા વિજય શ્રીવાસ્તવે કાનૂની જંગમાં લપડાક પડે તે પહેલા રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ પણ VCનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું ન હતું. જે બાબતે યુનિ. પરિવારમાં ઉગ્ર વિરોધ ઉઠ્યો હતો.

પૂર્વ વાઇસ ચાન્સેલર રાજીનામું આપ્યા પછી પણ વાઈસ ચાન્સેલર તરીકે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ ભોગવીને ધન્વંતરી બંગલામાં રહેતા વિજય શ્રીવાસ્તવને બંગલો ખાલી કરવા માટે ખુદ વડોદરાના સાસંદ ડૉ. હેમાંગ જોષી દ્વારા પણ મેઇલ કરવામાં આવ્યો હતો. અન્ય કોઇ વ્યવસ્થા ન હોય તો ખુદ સાસદે તેમને વ્યવસ્થા કરી આપવાનું વચન પણ આપ્યુ હતું.