Gujarat

આવતી કાલે ધુળેટી, ગ્રહણ, મીનારક કમુરતાંનો 407 વર્ષ પછી અને ધુળેટી-કમુરતાનો યોગ 29 વર્ષે રચાશે

વિક્રમ સંવત 2081માં જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ વિચિત્ર અને અવિસ્મરણીય યોગ રચાઈ રહ્યા છે. ગુરુવારે હોળીના દિવસે હોળાષ્ટક પૂરા થશે અને બીજા જ દિવસે, ધૂળેટીના દિવસે મીનારક કમુરતાં બેસવાનો યોગ 4 વર્ષ પછી રચાયો છે.

એનાથી પણ વિશેષ યોગ 14 માર્ચે ધૂળેટીના દિવસે રચાશે. ફાગણી પૂનમે રંગપર્વ ધૂળેટીનો તહેવાર તો છે જ પરંતુ આ જ દિવસે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અને એટલે મીનારક કમૂરતાં બેસી જશે અને આ દિવસે જ વિક્રમ સંવત 2081નું પહેલું ગ્રહણ, ખંડગ્રાસ ચન્દ્રગ્રહણ, પણ છે.

એક જ દિવસે ધૂળેટી, ગ્રહણ અને મીનારક કમૂરતાં બેસતાં હોય તેવો યોગ 407 વર્ષ પછી આવ્યો છે જ્યારે ધૂળેટીના દિવસે મીનારક કમૂરતાં હોય તેવો યોગ 29 વર્ષે રચાયો છે. આ કારણે જનમાનસમાં માનસિક ભય, ચિંતાઓ રહ્યા કરે.

વાણી ઉગ્ર બને તથા અકારણ ઝઘડા થાય. મંદી-મોંઘવારી પણ વધી શકે. શુક્રવારે સાંજે 06.51 વાગ્યે ગ્રહમંડળના રાજાદિ ગ્રહ સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રની પરીભાષામાં સૂર્યના મીનભ્રમણને મીન સંક્રાંતિ કહેવાય છે. એક મહિનાની મીન સંક્રાંતિને મીનારક કમુરતાં પણ કહેવાય છે.

આ દિવસે સવારે 10.40 વાગ્યે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ શરૂ થશે, જે બપોરે 02.18 વાગ્યે પૂરું થશે. આમ ગ્રહણ કાળ 3.38 કલાકનો રહેશે. આ ગ્રહણ પશ્ચિમ અમેરિકા, પશ્ચિમ યુરોપમાં દેખાશે. ભારતમાં નહીં દેખાય એટલે ધાર્મિક રીતે પાળવાનું પણ નહીં રહે. આમ છતાં ગ્રહણના અશુભ એંધાણ વર્તાશે.

જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર ગ્રહણ સમયે સિંહ રાશિ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સૂર્ય પોતે ગુરુના ઘરની રાશિમાં ભ્રમણ કરવાથી નૈસર્ગિક ગુણોનું કારકત્વ નાશ પામે છે. શુભ અને માંગલિક કાર્યમાં સૂર્ય, ગુરુ અને શુક્ર ગ્રહોનું બળ હોવું આવશ્યક છે માટે એક માસ સુધી તમામ શુભ અને માંગલિક કાર્ય વર્જ્ય ગણાશે પરંતુ તમામ પ્રકારનાં સામૂહિક ધાર્મિક કાર્યો તેમજ શ્રીમંત જેવા પ્રસંગો કરી શકાશે.