જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મંદરોઈ પ્રાથમિક શાળામાં આજરોજ ધોરણ 8 માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય તેમજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ધોરણ 8 માં અભ્યાસ કરી રહેલાં બાળકો માટે આ વર્ષ શાળાનું અંતિમ વર્ષ હોઈ બાળકો પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માધ્યમિક કક્ષાએ જઈ રહ્યાં છે ત્યારે શાળાનાં શિક્ષકો દ્વારા વિધાર્થીઓને શુભેચ્છાઓ સાથે આશીર્વચન પાઠવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ રેખાબેન રાઠોડ તથા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિદાય લઈ રહેલાં બાળકોએ આ શાળામાં વિતાવેલાં 8 વર્ષોને યાદ કરી પોતાની આંખો ભીની કરી હતી. શાળાનાં ઉપશિક્ષક જિજ્ઞેશ પટેલે સૌ વિધાર્થીઓને નિષ્ઠા અને આત્મવિશ્વાસ સાથે ભણીગણીને સમાજમાં નોંધપાત્ર સ્થાન હાંસલ કરવા માટેનાં શુભ આશિષ પાઠવ્યા હતાં. પ્રારંભે શાળાનાં માનદ્ શિક્ષિકા સલોની પટેલે વિધાર્થીઓને તથા ઉપશિક્ષિકા સેજલ પટેલે મહેમાનોને શબ્દ અને પુષ્પગુચ્છથી આવકાર્યા હતાં.

શાળા પરિવાર તરફથી વિદાય લેતાં સૌ વિધાર્થીઓને સ્મૃતિભેટ આપવામાં આવી હતી. આ તકે વર્ષ દરમિયાન શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિને વરેલ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે ઈનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. શાળાનાં આચાર્ય અને ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલે સમારંભલક્ષી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. અંતમાં શાળાનાં ઉપશિક્ષક કૃણાલ ગરાસીયાએ આભારવિધિ આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારીમાં જણાવે છે.