Gujarat

તાલાલા તાલુકાના ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં સિંહ યુગલે મોજમસ્તી કરી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સુરવા ગીર વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ છીપાવવા માટે એક સિંહ યુગલ સ્થાનિક ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં પહોંચી ગયું હતું.

જંગલમાં વિહાર કરતા સિંહ-સિંહણ અચાનક જ ખાનગી ફાર્મ હાઉસમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન તેમણે સ્વિમિંગ પુલમાંથી પાણી પીધું હતું. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હાલમાં ઉનાળા ઋતુમાં ધોમધખતા તાપમાનને કારણે વન્ય પ્રાણીઓ પણ ગરમીથી વ્યાકુળ બની ગયા છે. આ કારણે તેઓ પાણીની શોધમાં જંગલની બહાર નીકળી રહ્યા છે. વન વિભાગે વન્ય પ્રાણીઓ માટે જંગલમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તેઓ માનવ વસવાટ વિસ્તારમાં ન આવે.