સમગ્ર ગુજરાતમાં મે માસના પ્રથમ સપ્તાહમાં વરસાદી માહોલ રહેતા ભર ઉનાળે ઠંડક જોવા મળી હતી. જો કે પાંચ વર્ષ બાદ ચાલુ વર્ષે મે માસમાં ગરમીના દિવસો માત્ર 8 રહેવાની સંભાવના છે. હાલમાં અરબી સમુદ્ર અને અરબ સાગરમાં પ્રિ મોનસુન એકટીવીટી 10 દિવસ પહેલી શરૂ થઇ જતાં તેની અસર વાતાવરણ જોવા મળી રહી છે.
જેના કારણે ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણમાં આગામી ત્રણ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાજ્યમાં માવઠાની સંભાવના છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વાદળછાયુ વાતાવરણ રહેશે.
તેમજ હાલમાં થઇ રહેલી ગતિવિધિના પગલે આગામીતા 21 થી 23 અને મેના અંતમાં ભારે પવન સાથે માવઠાની સંભાવના છે. જો કે 10 દિવસ બાકી હોવાથી વાતાવરણ પલટાય તો માવઠુ ના થાય તેમ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. આણંદ કૃષિ હવામાન વિભાગના વૈજ્ઞાનિક જણાવ્યાં અનુસાર ચાલુ વર્ષે મે માસમાં ગરમીમાં થોડી રાહત રહેશે. મોટાભાગે અશંત વાદળછાયુ વાતાવરણ રહેશે.
જ્યારે પ્રિ મોનસુન એકટીવીટી અંતર્ગત 20 મે થી 31મી મે સુધી બે વખત માવઠા થવાની સંભાવના છે.પરંતુ વાતાવરણ સતત બદલાતુ હોવાથી પ્રિ મોનસુન એકટીવીટી ખોરવાઇ જાય તો માવઠું ન પણ થાય તેમ જણાવ્યું હતું.
અહીં માવઠાની શક્યતા વધુ
ખાસ કરી ઉતર ગુજરાતના મહેસાણા,હિંમતનગર, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના ભાવનગર , જૂનાગઢ, રાજકોટ , દ્વારકા સહિતના વિસ્તારમાં માવઠાની સંભાવના વધુ રહેશે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળો વચ્ચે કેટલાંક જિલ્લામાં માવઠા થવાની સંભાવના છે.
ગરમીનો પારો 42 ડિગ્રી સુધી ઊંચો જશે
હાલના સંજોગોમાં 15 મે થી 20 મે દરમિયાન ગરમીનો પારો સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ રહેતા મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ પહોંચશે. ત્યારબાદ વાતાવરણમા પલટો થવાની સંભાવના છે. મેના અંતિમ બે સપ્તાહમાં મોટાભાગે વાદળછાયુ વાતાવરણ વચ્ચે માવઠા થવાની સંભાવના છે.

