આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતી પાકમાં થયેલા નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહૂતીના દિશાનિર્દેશ હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં દરેક ગામના ગ્રામ સેવકો પોતાના વિસ્તારમાં ફરીને પાકને થયેલા નુકસાનનું પ્રાથમિક સર્વેક્ષણ કરી રહ્યા છે. વરસાદ બંધ થયા બાદ ગામવાર ટીમો બનાવીને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકારના નિયમો અનુસાર, ખેતી પાકમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના નિયમો મુજબ નુકસાની પેટે સહાયની ચુકવણી કરવામાં આવશે.

