Gujarat

194મા સમાધિ મહોત્સવમાં મોરારીબાપુની છઠ્ઠી કથા, 12 દિવસ ચાલશે ભવ્ય ઉજવણી

નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં 1 ફેબ્રુઆરીથી 194મા સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે.

આ 12 દિવસીય મહોત્સવમાં વિશેષ આકર્ષણ મોરારીબાપુની ‘માનસ યોગીરાજ’ શીર્ષક હેઠળની કથા રહેશે, જે તેમની નડિયાદમાં છઠ્ઠી અને સમગ્ર જીવનની 951મી રામકથા છે.

મહોત્સવ દરમિયાન બ્રહ્મલીન સંત નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની 170મી જન્મજયંતિની ઉજવણી પણ કરવામાં આવશે.

સંતરામ મંદિરના ગાદીપતિ મહંત રામદાસજી મહારાજના આશીર્વાદથી યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત અને ભારતભરના નામાંકિત સંતો-મહંતો તેમજ મુખ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓ હાજરી આપશે.

મહોત્સવના વિશેષ કાર્યક્રમોમાં મોરારીબાપુના હસ્તે ગોવર્ધનરામ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાશ્મીર અને આસામના જાણીતા નવલકથાકારોનું સન્માન કરાશે. સાથે જ રામદાસજી મહારાજ રચિત ‘યોગીરાજ માનસ’નું લોકાર્પણ પણ કરવામાં આવશે.

મોરારીબાપુનો સંતરામ મંદિર સાથેનો નાતો 50 વર્ષથી વધુ જૂનો છે. 1977માં તેમની પ્રથમ રામકથા અહીં યોજાઈ હતી અને ત્યારથી વિવિધ વિષયો પર તેમની પાંચ કથાઓ યોજાઈ ચૂકી છે. આ વખતની કથા 1 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ત્યારબાદ દરરોજ સવારે 10થી 1 વાગ્યા સુધી સંતરામ મંદિરના લીમડા ચોક ખાતે યોજાશે.

પહેલી ફેબ્રુઆરીએ સાંજે યોજાનાર કથા ઉદઘાટનમાં ભારતના નામાંકિત સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. જેમાં શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ-અયોધ્યાના ખજાનચી ગોવિંદગીરીજી મહારાજ, મોરબીથી મા કનકેશ્વરી દેવીજી, જામનગર અણદાબાબા આશ્રમના દેવપ્રસાદજી મહારાજ અને ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ ઉદબોધનો કરશે. જ્યારે 9 ફેબ્રુઆરીએ કથા સમાપનમાં અમરકંટકથી વિતરાગ મુનિ કલ્યાણદાસજી મહારાજ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત દરરોજ સવારે 9:45થી 10:15 દરમ્યાન ભારત અને ગુજરાતના નામાકિત સંતો, મહંતોના શુભાશિર્વાદ વ્યાખ્યાનો થશે. જેમાં 2જી ફેબ્રુઆરીએ જામનગર અણદાબાબા આશ્રમના દેવપ્રસાદજી મહારાજ, 3જીએ છારોડી ગુરુકુળના માધવપ્રિયદાસજી, 4થીએ મુંબઈના ભૂપેન્દ્ર પડયા. 5મીએ રૂષિકેશના ભાસ્કરાનંદજી મહારાજ, છઠ્ઠીએ માઉન્ટ આબુના સચ્ચિદાનંદજી મહારાજ, 7મીએ વડોદરાના દ્વારકેશલાલજી મહારાજ, 8મીએ પોરબંદરના રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી), અને 9મીએ અમરકંટકના કલ્યાણદાસજી મહારાજ પોતાના આશીર્વચનો પાઠવશે. આ ઉપરાંત આ નવ દિવસ દરમ્યાન કથામાં ગુજરાતના મુખ્યમત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ મંત્રી ઋષિકેષભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સ્થાનિક ધારાસભ્યો અને સાંસદસભ્યો ઉપસ્થિત રહેવાની સંભાવના છે.

કથાના પ્રથમ દિવસે નડિયાદ સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ રચિત ‘શ્રી યોગીરાજ માનસ ગ્રંથ’નું લોકાર્પણ થશે. આ મહાગ્રંથ સંતરામ મહારાજના જીવન, દર્શન અને તત્ત્વવિચારણાને હિન્દી અને અવધિ ભાષામાં 1034 દુહા-ચોપાઈ અને 11000 પંક્તિઓનું મહાકાવ્ય છે.આ ઉપરાંત યુએસએની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા તરફથી સંતરામ મંદિરની 54 જેટલી જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ માટે લોકસેવા કેટેગરીમાં વર્લ્ડ અમેઝિંગ પ્લેસનો વૈશ્વિક એવોર્ડ પણ આ પ્રસંગે શ્રી સંતરામ મંદિરને એનાયત કરવામાં આવશે.

આ દિવસો દરમ્યાન ગુજરાતના નામાકિત કથાકારોનું એક સ્નેહમિલન ‘ત્રિવેણી’ નામે થશે. જેમાં ગુજરાતના 250થી વધુ કથાકારો પણ પોતાના વક્તવ્યો આપવા પધારી રહ્યા છે. આ સ્નેહમિલન 20 વર્ષ પછી પ્રથમ વખત નડિયાદને આંગણે યોજાઈ રહ્યું છે. વળી શહેરના 130 વર્ષ જૂના ઐતિહ્નસિક આસો.ડાહીલક્ષ્મી પુસ્તકાલય દ્વારા ગોવર્ધનરામ એવોર્ડ સન્માન સમારોહ યોજાશે. જેમાં વર્ષ 2022 માટે કાશ્મીરના જાણીતા નવલકથાકાર પ્રાણ કિશોર કોલને અને વર્ષ 2023 માટે આસામના પ્રસિદ્ધ નવલકથાકાર ડો. ધૂબા જ્યોતિ બોહરાને એનાયત થશે.

આ સમારંભમાં ગુજરાતના જાણીતા લેખકો-સર્જકો મોટી સંખ્યામાં ઉમટશે આ પ્રસંગે જાણિતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી, વિનોદ જોશી, ડૉ.સ્ટોરપાયલ ઐયર, અમરેલીથી પ્રણવ પંડ્યા વગેરેના વક્તવ્યો થશે. ઉપરાંત આ પ્રસંગે ભાવનગરના તબીબ અને કવિ ફિરદોશ દેખૈયા દ્વારા ગોવર્ધનરામના ગીતો રજૂ કરાશે.

વિશ્વવંદનીય સંત મોરારિબાપુની પ્રેરણાથી અપાતો આ એવોર્ડ ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાંથી પસંદ કરેલા ઉત્તમ નવલકથાકારોને આપવામાં આવે છે. જેમાં રૂપિયા 1.50 લાખની ધનરાશી તથા ગોવર્ધનરામ ત્રિપાઠીની રેપ્લીકા અને શાલથી સન્માન કરવામાં આવે છે.

આ સન્માન છેલ્લે 2019 માટે ભાલચંદ્ર નેમાડે (મરાઠી), 2020 માટે ચિત્રા મુદગલ (હિંદી) અને 2021 માટે વિભૂતિ પટ્ટનાયક (ઉડિયા)ને અપાયેલ છે. તેથી હવે 2022 અને 2023 એમ બે વર્ષ માટે આ સન્માન પૂ. મોરારિબાપુના હસ્તે એનાયત કરાશે. આ સમારંભનું સૌજન્ય પ્રતિવર્ષ ઈપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી થઈ રહ્યું છે. શહેરની સંતરામ દેરી ખાતે સાંજે 5 કલાકે આ સન્માન સમારોહ સંતરામ મંદિરના સંતો-મહતો અને ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલની નિશ્રામાં યોજાશે.