Gujarat

PBSC સેન્ટરની મદદથી પરિવારમાં સુલેહ, પિતા-પુત્ર વચ્ચે લગ્નના ખર્ચની સમજૂતી થઈ

મહેસાણા પંથકમાં એક યુવકના બીજા લગ્ન બાદ પારિવારિક કલેશની સ્થિતિ સર્જાઈ હતી. લગ્નના બે વર્ષ બાદ યુવકના માતા-પિતાએ લગ્નનો ખર્ચ અને પુત્રવધू પાસે દહેજની માંગણી શરૂ કરી હતી. આર્થિક સંકળામણ વચ્ચે પરિવારમાં કલેશ વધતો ગયો હતો.

માતા-પિતા વારંવાર પૈસા અને દહેજની માંગણી કરતા હતા. માંગણી પૂરી ન થતાં તેમણે પુત્ર અને પુત્રવધૂને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં, ત્યારબાદ પણ ફોન કરીને અને સંબંધીઓને વાત કરીને હેરાન કરતા હતા. આ ત્રાસથી દંપતીને આત્મહત્યાના વિચારો આવતા હતા.

દંપતીએ મહેસાણા સ્થિત પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (PBSC)નો સંપર્ક કર્યો. કાઉન્સેલર નિલમ પટેલે બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું. પિતાએ સ્પષ્ટતા કરી કે પુત્રના લગ્ન માટે લીધેલી લોન ભરવા માટે પૈસા માંગે છે. પુત્રે દોઢ વર્ષમાં પૈસા પરત કરવાની ખાતરી આપી.

કાઉન્સેલરે બંને પક્ષને સમજાવ્યું કે આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો સામનો એકબીજાના સહકારથી કરવો જોઈએ. પૈસાની બાબતમાં અમૂલ્ય સંબંધોને નુકસાન ન પહોંચાડવા સમજાવ્યું. કાઉન્સેલિંગ બાદ પિતા-પુત્રે સંબંધોનું મહત્વ સમજી પારિવારિક કલેશનો અંત આણ્યો. આમ PBSCના પ્રયાસથી એક પરિવારમાં સામાજિક સમસ્યાનું સફળ સમાધાન થયું.