સમા-સાવલી રોડ પર આવેલા રિયા-રેવતી પાર્ટી પ્લોટ સામે શુક્રવારે મોડી સાંજે થાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. થાર ચાલકે બાઈકને અડફેટે લઇ યુવકને 100 મીટર ઢસેડ્યો હતો, ત્યારબાદ બાઇકને વધુ 100 મીટર સુધી ઢસેડી હતી. ઘટનાને પગલે સમા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.
જોકે ત્યાં પોલીસે સ્થાનિકોના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. સ્થાનિકોએ અનેકવાર સ્પીડબ્રેકર બનાવવા રજૂઆત કરી હોવા છતાં તંત્રે ધ્યાન ન આપ્યું હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું તેમણે કહ્યું હતું.
સમા-સાવલી રોડ પર શુક્રવારે મોડી સાંજે પૂરઝડપે આવેલી થારે બાઈકને અડફેટે લીધી હતી. બાઈક પર મુકેશ કાલાભાઈ ડામોર અને અન્ય એક યુવક સવાર હતા. થારની ટક્કરે બાઇક પર જઇ રહેલા બે પૈકી એક યુવકનું મોત નિપજ્યું હતું, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટના બનતાં સમા પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અકસ્માત થવાના કારણે ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં.
ઉલ્લેખનીય છે કે, થાર ચાલકે બાઈકને 100 મીટર સુધી ઢસેડ્યું હતું, જેના કારણે યુવકનું મોત થયું હતું. જે બાદ બાઈક થારના આગળના ભાગમાં ફસાઈ ગયું હતું અને થાર ચાલકે વધુ 100 મીટર દૂર સુધી બાઈકને ઢસેડ્યું હતું. હાલમાં થાર ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે તેની તપાસ હાથ ધરી હતી.
નોંધનિય છે કે, અકસ્માત સર્જાતાં સ્થાનિકો વિફર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અનેક પાર્ટી પ્લોટ આવ્યા છે. કોઈ પણ પાર્ટી પ્લોટ પાસે તેઓની પોતાની પાર્કિંગ વ્યવસ્થા નથી, જેને કારણે લોકો આડેધડ પાર્કિંગ કરે છે.
જેને પગલે અનેકવાર ટ્રાફિક સર્જાય છે. સ્થાનિકો દ્વારા અનેકવાર પાલિકાને સ્પીડ બ્રેકર બનાવવાની રજૂઆત કરવામાં આવી છે છતાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું નથી તેવો બળાપો ઠાલવ્યો હતો.