અણ્ણા આંદોલન દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ રાજકીય પક્ષ નહીં બનાવે પણ તેમણે બનાવ્યો. એક કાર અને બંગલો પણ ખરીદ્યો. ૫૧ કરોડ રૂપિયાનો શીશ મહેલ પણ બનાવ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના કાલકાજીમાં એક જાહેર સભાને સંબોધતા હાલની દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આગામી ૫મી ફેબ્રુઆરી દિલ્હીના લોકો માટે કેજરીવાલની આપત્તિમાંથી મુક્ત થવાનો અવસર છે. તેથી કમળનું બટન દબાવો અને આપત્તિમાંથી કાયમ માટે મુક્ત થાઓ. તેમણે કહ્યું કે ભાજપની જીત બાદ કાલકાજીને નંબર ૧ વિધાનસભા મતવિસ્તાર બનાવવામાં આવશે.
ભાજપના સિનિયર નેતા ને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી એ કહ્યું હતું કે, દિલ્હીમાં જૂઠ, કપટ, વચન ભંગ કરનાર અને ભ્રષ્ટાચારની સરકાર છે.
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વાકપ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે તેઓ કહી રહ્યા છે કે યમુનામાં ઝેર ભેળવવામાં આવ્યું છે, પરંતુ પાણી વિભાગે કહ્યું કે, કેજરીવાલ ખોટું બોલી રહ્યા છે. શાહે કહ્યું કે કેજરીવાલે ત્રણ પ્રશ્નોના જવાબ આપવા જાેઈએ. પહેલા, ઝેરનો અહેવાલ જાહેર કરો, અમે તેની જવાબદારી લઈશું. બીજાે જવાબ આપો કે કયું ઝેર ભેળવવામાં આવ્યું હતું અને ત્રીજાે જવાબ એ આપો કે, પાણી બંધ કરવાનો આદેશ બતાવો.
કેજરીવાલે ભોળો ચહેરો બનાવ્યો અને હરિયાણા સરકાર પર આરોપ લગાવ્યો, તેમણે દિલ્હીના લોકોને ડરાવી દીધા છે, આ સસ્તી અને હલકી રાજનીતિ ના હોઈ શકે. તેમણે જનતાને સંબોધતા કહ્યું કે તમારે પણ આતિશીને ઝેર વિશે પ્રશ્નો પૂછવા જાેઈએ. આ એવા લોકો છે જે સતત જૂઠું બોલે છે. તેઓ જુઠ્ઠાણા બોલીને જનતાને ગેરમાર્ગે દોરે છે.
અમિત શાહે કહ્યું હતું કે જાે રાજ્યમાં ભાજપ ની સરકાર બનશે તો, કોઈપણ ગરીબ કલ્યાણ યોજના બંધ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જાે રમેશ બિધુરી ચૂંટાય છે તો ભાજપ દરેક ઝૂંપડપટ્ટીવાસીઓને કાયમી ઘરો આપશે. ભાજપ નેતાએ કહ્યું કે કેજરીવાલે કોરોનાને બહાનું ના બનાવવું જાેઈએ, આ કોરોના દરમિયાન પીએમ મોદીએ દેશની અર્થવ્યવસ્થાને પાંચમા સ્થાને લાવી દીધી. કેજરીવાલે સમજાવવું જાેઈએ કે તેમણે શીશ મહેલ કેવી રીતે બનાવ્યો અને કોરોના સમયગાળા દરમિયાન તેમણે દારૂ કૌભાંડ કેવી રીતે આચર્યું. શાહે કહ્યું કે ભાજપ પાંચ વર્ષમાં દિલ્હીને તમામ રાજધાનીઓમાં નંબર ૧ બનાવશે.
આપ પર આકરા પ્રહારો કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, કેજરીવાલે અણ્ણા આંદોલન દરમિયાન કહ્યું હતું કે, તેઓ રાજકીય પક્ષ નહીં બનાવે પરંતુ તેમણે બનાવ્યો. કોંગ્રેસનો ટેકો લીધો, ગાડી અને બંગલો પણ ખરીદ્યો. ૫૧ કરોડ રૂપિયાનો શીશ મહેલ બનાવ્યો. આ બધી બાબતોનો ઇનકાર કર્યા પછી, તેમણે તાળીઓ પાડવાથી ચાલુ થતી લાઇટ્સ, રિમોટ કંટ્રોલવાળા પડદા તેમજ કાચના મહેલમાં ઇટાલિયન માર્બલ લગાવ્યા. આ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા. તેમણે કહ્યું કે કેજરીવાલે તેમના કોઈપણ વચનો પૂરા કર્યા નથી. તેમણે દારૂ કૌભાંડ કર્યું, મંદિરો, ગુરુદ્વારાઓ, શાળાઓની આસપાસ દારૂની દુકાનો ખોલી છે.