કાલોલ પોલીસે રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન રતનપુરા ગામની સીમમાં કરાડ નદીના ધસ નજીકથી જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પીઆઈ આર.ડી. ભરવાડને બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે રતનપુરા ગામે કરાડ નદીના ધસ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા-પાના વડે નાણાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી સ્થળ પર છાપો માર્યો હતો. પોલીસને જોઈને જુગાર રમતા ઈસમોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ઘેરાબંધી કરીને તમામ ૮ ઈસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં સુરેશકુમાર ઉદેસિંહ રાઠોડ (મધવાસ), દિનેશકુમાર કનકસિંહ પરમાર (બરોલા), પ્રકાશકુમાર ગોપાલભાઈ પરમાર (બરોલા), અરુણકુમાર સુરેશભાઈ રાવળ (બાકરોલ), બહાદુરસિંહ નરવતસિંહ જાદવ (બરોલા), ઇન્દ્રજીતસિંહ ઉર્ફે અવિનાશ અરવિંદસિંહ સોલંકી (બરોલા), ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો મંગળસિંહ ગોહિલ (બાકરોલ) અને જશવંતસિંહ ઉર્ફે જગુ છગનસિંહ રાઠોડ (મઘાસર, તા. હાલોલ)નો સમાવેશ થાય છે.

