લાલપુર તાલુકાના મેઘપર ગામમાં પવનચક્કીના કામ માટે NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. NOC આપવાનો ઇનકાર કરતા ગામના સરપંચ પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
હુમલામાં સરપંચને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ખાસ કરીને તેમના ડાબા હાથમાં ફેક્ચર થતાં તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, હુમલાખોરોએ સરપંચને માર મારવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા હુમલાનું ચોક્કસ કારણ, NOC અંગેનો વિવાદ અને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે મેઘપર સહિત આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

