Gujarat

ગાંધીનગરમાં ભાજપનું મેરેથોન મંથન, 123 પદો માટે નિર્ણાયક ચર્ચા કરાશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ચૂંટાયેલી પાંખના વડાઓની પસંદગી માટે શરૂ થયેલી આ બેઠકમાં ત્રણ દિવસ સુધી સતત મંથન પ્રક્રિયા ચાલશે. પાર્ટી દ્વારા સુચારુ સંકલન અને અંતિમ નિર્ણય પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે તમામ પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો સાથે જિલ્લા અને શહેર પ્રમુખોને પણ બેઠકમાં હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે.

બેઠકના પ્રથમ દિવસે મંગળવારે તાલુકા પંચાયતના પ્રમુખોના નામ પર ચર્ચા થઈ ગઈકાલે બેઠકના પ્રથમ દિવસે તાલુકા પંચાયતના કુલ 230 પ્રમુખોના નામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ જિલ્લાઓમાંથી મળેલ ફીડબેક અને સંગઠનના સૂચનોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી માટે ગહન વિચારણા કરવામાં આવી હતી.

આજે 124 મહત્વના પદ માટે નિર્ણાયક ચર્ચા કરાશે આજે બીજા દિવસે બેઠક વધુ મહત્વપૂર્ણ બનશે, જેમાં 33 જિલ્લા પંચાયત પ્રમુખ, 15 મહાનગરપાલિકાના મેયર,76 નગરપાલિકા પ્રમુખ મળીને કુલ 124 પદો માટે ચર્ચા અને નામોને અંતિમ સ્વરૂપ આપવા મથામણ ચાલી રહી છે.સૂત્રો મુજબ, ઉમેદવારોની પસંદગીમાં સંગઠન પ્રત્યેની વફાદારી, કાર્યક્ષમતા, સ્થાનિક સમીકરણો અને જીતની ક્ષમતા જેવા માપદંડોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.