Gujarat

RTOના 69માંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ

અમદાવાદ RTOના સ્ટાફને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટેનો ઓર્ડર કરવામાં આવ્યો છે. RTOના 69 માંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. જોકે, કર્મચારીઓ વસ્તી ગણતરીની કામગીરી કરવા જાય ત્યારે આરટીઓ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી આરટીઓના અધિકારીઓએ સ્ટાફ વધારવા માટે માંગ કરી છે. તેમજ હવે આરટીઓ કચેરી બંધ ન થાય તે માટે ઓફિસના સમય પછી વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ ટ્રેનિંગ માટે પણ અડધો અડધો સ્ટાફ બોલાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારી કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ રાજ્યમાં આગામી સમયમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે અલગ અલગ સરકારી કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. અમદાવાદ આરટીઓમાં અત્યારે સ્ટાફની અછત વચ્ચે 69 સ્ટાફ જ કામ કરે છે. તેમ છતાં 66 જેટલા કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટેના ઓર્ડર કરવામાં આવ્યા છે.

ત્રણ લોકોના ઓર્ડર એટલા માટે કરવામાં આવ્યા નથી કે એક કર્મચારી બે મહિના પછી રિટાયર્ડ થાય છે તો બે કર્મચારી થોડા સમય પહેલા જ જોડાયા છે. જેથી ત્રણને છોડીને અન્ય બધા જ કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે ફિલ્ડમાં જવું પડશે.

કર્મચારીઓ ફીલ્ડ જતા આરટીઓ કચેરી બંધ કરવા જેવી સ્થિતિ જેથી હવે વસ્તી ગણતરીની કરવા માટે જ્યારે કર્મચારીઓ ફીલ્ડમાં જાય ત્યારે આરટીઓ કચેરી બંધ કરવી તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જો કે સોમવારે એક દિવસ માટે 66 કર્મચારીઓને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવતા તમામ કામગીરી બંધ કરવી પડી હતી. દરરોજ ડ્રાઇવિંગ લાયસન્સ માટે 250, વાહન સહિતની કામગીરી માટે 200 તો પરમિટ સહિતની કામગીરી માટે 350 જેટલા અરજદારો આરટીઓ આવતા હોય છે. જેથી સ્ટાફ જ ન હોવાથી તમામ અરજદારોના કામ થઈ શક્ય ન્હોતા અને બીજા દિવસે ધક્કો ખાવો પડ્યો હતો.