Gujarat

તાંતીથૈયા રેલવે લાઇન પર હાવડા એક્સપ્રેસની અડફેટે બેનાં મોત

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામ નજીક રેલવે લાઇન પર વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતથી હાવડા તરફ જતી હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે અજાણ્યા વ્યક્તિ આવી જતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.

પ્રાથમિક માહિતી અનુસાર, તાંતીથૈયા રેલવે લાઇન પર થાંભલા નંબર 14/22 થી 14/26 વચ્ચે આજે સવારે આશરે 5:30 વાગ્યે આ દુર્ઘટના બની હતી. પૂરપાટ ઝડપે જતી હાવડા એક્સપ્રેસ ટ્રેનની ટક્કર એટલી ભયાનક હતી કે બંને વ્યક્તિઓના શરીરના ચીંથરાં ઊડી ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે અત્યંત કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.

આ બનાવ અંગે ચલથાણ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર લોકેશભાઈ મીનાએ જાણ કરતાં કડોદરા પોલીસને ઘટનાની માહિતી મળી હતી. બનાવની જાણ થતાં જ કડોદરા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈને કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં બંને મૃતક વ્યક્તિઓની ઓળખ થઈ શકી નથી. કડોદરા પોલીસે અજાણ્યા મૃતકોની ઓળખ મેળવવા માટે તેમના વાલી-વારસો અને પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. આ બંને વ્યક્તિઓ વહેલી સવારે રેલવે ટ્રેક પર કયા સંજોગોમાં પહોંચ્યા હતા અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.