ધોળકા શહેરમાં મુશળધાર વરસાદને કારણે આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા, જેના કારણે અનેક લોકો પોતાના ઘરોમાં ફસાયા હતા. ખાસ કરીને બુટ ભવાની નગર અને ભેટવાડા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધોળકા વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય થયું હતું. પ્રાંત અધિકારી, TDO, ધોળકા પોલીસ અને NDRFની ટીમો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે વરસાદ વચ્ચે પણ તમામ અધિકારીઓ અને સુરક્ષા જવાનોએ ખડેપગે રહીને સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.
સ્થાનિક તંત્ર, પોલીસ અને NDRFના જવાનોના સઘન પ્રયાસોને કારણે બુટ ભવાની નગર અને ભેટવાડામાંથી ૧૦૦થી પણ વધુ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટી તંત્રની સમયસરની અને ઝડપી કામગીરીને લીધે એક મોટી જાનહાનિ ટળી હતી, જેનાથી સ્થાનિક લોકોએ રાહત અનુભવી છે.

