અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પિતાના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. દારૂડિયા પિતા દ્વારા અવારનવાર કરાતી મારપીટ અને ‘તું મરી જા’ તેવા આપેલા મહેણાંથી લાગી આવતા પુત્રીએ આ અંતિમ પગલું ભર્યું હતું. મેઘાણીનગર પોલીસે આ મામલે સગીરાના મોત માટે જવાબદાર રિક્ષાચાલક પિતા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પિતાના દારૂના વ્યસનથી કંટાળી માતા એક મહિના પહેલાં પિયર જતી રહી હતી મળતી વિગતો મુજબ, મેઘાણીનગર પોલીસ સ્ટેશન નજીક આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં હિરલ પરમાર નામની સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી અને અમરજ્યોત સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. હિરલના પિતા હર્ષદ પરમાર વ્યવસાએ રિક્ષા ચલાવે છે અને દારૂ પીવાની કુટેવ ધરાવે છે. તેઓ અવારનવાર દારૂ પીને ઘરે આવી પરિવાર સાથે ઝઘડો અને મારામારી કરતા હતા. પિતાના આ રોજિંદા ત્રાસથી કંટાળીને હિરલની માતા એક મહિના અગાઉ જ ઘર છોડીને પોતાના પિયરે જતી રહી હતી.
“તું મારા ઘરમાં કેમ રહે છે, મરી જા” પિતાના શબ્દો લાગી આવ્યા ગત 11 જુલાઈના રોજ સવારે હિરલ જ્યારે ઘરનું કામ કરી રહી હતી, ત્યારે તેના પિતા હર્ષદે ફરી દારૂના નશામાં તેની સાથે ગેરવર્તન કર્યું હતું. તેણે હિરલને ધમકાવતા કહ્યું હતું કે, “તું મારા ઘરમાં કેમ રહે છે? તું મરી જા, મારી નજર સામે આવતી નહીં.” પિતા દ્વારા બોલાયેલા આ આકરા શબ્દો માસૂમ દીકરીને મનમાં લાગી આવ્યા હતા. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો કોઈ કામે ઘરની બહાર ગયા ત્યારે હિરલે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.

