ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘દૈનિક મુસાફર પાસ યોજના’માં ભાડાની રાહતમાં વધારો કરીને મુસાફરોને 50 ટકા સુધીની સીધી બચતનો લાભ આપવામાં આવ્યો છે.
15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી નવા નિયમ મુજબ માસિક પાસ માટે અગાઉ મુસાફરો પાસેથી 18 દિવસનું ભાડું લેવામાં આવતું હતું. હવે આ ઘટાડીને માત્ર 15 દિવસનું ભાડું કરવામાં આવ્યું છે. એટલે કે મુસાફર માત્ર 15 દિવસનું ભાડું ચૂકવીને સતત 30 દિવસ સુધી મુસાફરી કરી શકશે. ત્રિમાસિક પાસમાં પણ મોટી રાહત ત્રિમાસિક પાસમાં પણ મુસાફરોને સીધો લાભ મળશે. અગાઉ 90 દિવસના પાસ માટે 54 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું. હવે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવીને 90 દિવસ સુધી મુસાફરી કરી શકાશે.
2.5 લાખથી વધુ મુસાફરોને ફાયદો GSRTCના આ નિર્ણયથી રાજ્યમાં રોજિંદા અપડાઉન કરતા આશરે 2.5 લાખથી વધુ નોકરિયાતો, વેપારીઓ અને નાના-મોટા ધંધાર્થીઓને સીધો આર્થિક લાભ મળશે. ખાસ કરીને દરરોજ એસ.ટી. બસમાં નોકરી કે વ્યવસાય માટે આવન-જાવન કરતા મુસાફરોના માસિક મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.

