ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં કાયદાના ઉલ્લંઘન, ભરતી કૌભાંડો અને નાણાકીય ગેરરીતિઓ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ. ધરમ કાંબલિયા દ્વારા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. આ પત્રની નકલ દેશના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ ગુજરાતના રાજ્યપાલને પણ મોકલવામાં આવી છે.
કુલપતિઓ પોતાને ‘સૂબા’ સમજી મનમાની કરતા હોવાનો આક્ષેપ ડૉ.કાંબલિયાએ આક્ષેપ કર્યો છે કે, ભૂતકાળના કુલપતિઓમાં વિનમ્રતા અને જ્ઞાન જોવા મળતું હતું. જ્યારે આજકાલ જ્ઞાન આધારિત સિલેક્શનના બદલે રાજકીય સિલેક્શન થતું હોવા છતાં કુલપતિઓમાં ઘમંડ જોવા મળી રહ્યો છે. દર મહિને ₹3થી 4 લાખનો પગાર અને તમામ સરકારી સગવડો ભોગવતા કુલપતિ પોતાને ‘સૂબા’ સમજીને વહીવટ ચલાવી રહ્યા છે.
રાજ્ય સરકારે વિધાનસભામાં શિક્ષણ ક્ષેત્રને રાજકીય અખાડાથી મુક્ત કરવા અને સમાન વહીવટી માળખું લાવવા ‘ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023’ અમલમાં મૂક્યો હતો. પરંતુ આ કાયદાનું રાજ્યની એક પણ યુનિવર્સિટી ચુસ્તપણે પાલન કરતી નથી અને દરરોજ નિયમોનો ભંગ થઈ રહ્યો છે.
વધુમાં ડૉ. ધરમ કાંબલિયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓમાં ભરતી અને કોલેજોની LICમાં તજજ્ઞોની નિમણૂકો કાયદાના બદલે જ્ઞાતિવાદના આધારે કરવામાં આવી રહી છે. કોઈ પણ સરકારી મંજૂરી વગર ગેરકાયદે બાંધકામો ખડકાઈ રહ્યા છે. ટીચિંગ અને નોન-ટીચિંગ ભરતીઓમાં સમાનતા નથી તેમજ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની સંસ્થાઓમાં ભરતી અને નાણાકીય બાબતોમાં ગેરરીતિઓ થઈ રહી છે.

