Gujarat

નારણપુરા સ્વામિનારાયણ મ્યુઝિયમમાં ચોરી

નારણપુરાના સ્વામિનારાયણ મ્યુઝિયમમાંથી શોકેસનો ઉપરનો કાચ ખસેડીને ભગવાનની પૂજાની લાકડાની પેટી અને બે ધાતુની ડબ્બીઓ ચોરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. અંદાજે રૂ. 50 હજારની કિંમતની આ વસ્તુઓ ચોરાતા મ્યુઝિયમના મેનેજરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

હોલ નંબર 11 અને 4માંથી વસ્તુઓ ગાયબ 19 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યા સુધી તમામ વસ્તુઓ સલામત હતી, પરંતુ સાંજે કર્મચારી ધર્મેન્દ્રભાઈએ ચીજવસ્તુઓ ગાયબ હોવાની જાણ કરી હતી. તપાસમાં હોલ નંબર 11ના શોકેસમાંથી ભગવાનની તસવીરવાળી લાકડાની પૂજાની પેટી અને હોલ નંબર 4માંથી નખ-વાળ ભરેલી તેમજ રેશમની રાખડી અને મોતીના ટુકડાવાળી બે ધાતુની ડબ્બીઓ ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું.

બપોરે 12થી સાંજે 5:30 વચ્ચે ચોરી, પોલીસ તપાસ મ્યુઝિયમના ડિરેક્ટર કરશનભાઈ રાઘવાણીને જાણ કર્યા બાદ 19 નવેમ્બરના બપોરે 12થી સાંજે 5:30 વાગ્યા દરમિયાન અજાણ્યા શખસે કાચ ખસેડી ચોરી કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. મેનેજર જશુભાઈ ચાવડાની ફરિયાદના આધારે નારણપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.