જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર-રાજકોટ હાઈવે પર સત્યમ હોસ્પિટલ પાસે ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,532 બોટલ મળી આવી હતી. આટકોટ બસ સ્ટેન્ડ નજીક રાજકોટ રેન્જની ટીમે આ કાર્યવાહી કરી હતી. દારૂની કિંમત રૂ.3,39,480 હતી. કાર અને બે મોબાઈલ ફોન સહિત રૂ.18,54,480નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
કાર નંબર GJ-10-EM-0945માંથી દારૂ મળતાં પોલીસે રાજુ અરજણભાઈ હણુ (રહે. પોરબંદર) અને ખીમા ઉર્ફે કક્કન બધાભાઈ હુણ (રહે. શાપર, રાજકોટ)ની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, રામકુવિકમા, વિજય ભાયજીભાઈ જોશી અને જેતપુર ખાતે દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે. આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

