સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલી નવનિર્મિત બિલ્ડિંગની બાંધકામ સાઇટ પર કામ કરતી 20 વર્ષીય મહિલા રક્ષાબેન ડામોરનું દસમા માળેથી પટકાવાને કારણે કરૂણ મોત નીપજ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ, બિલ્ડિંગના દસમા માળે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક કોંક્રિટ તૂટી પડતા રક્ષાબેન સીધા નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
બે મહિનાના માસૂમ બાળકનું શું? આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ એક આખા પરિવારનો માળો વિખેરાઈ જવાની ગાથા છે. મૃતક રક્ષાબેનને માત્ર 2 મહિનાનું નાનું ધાવણું બાળક છે. માતાના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યો છે. જે બાળકે હજુ દુનિયા બરાબર જોઈ પણ નથી, તેણે પોતાની માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ઘટનાસ્થળે પરિવારજનોનું આક્રંદ જોઈને ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. માસૂમ બાળક હવે તેની માતા વગર કેવી રીતે ઉછરશે તે મોટો પ્રશ્ન ઊભો થયો છે.
બિલ્ડરની ઘોર બેદરકારી ઘટના બાદ આદિવાસી સમાજના અગ્રણી હિતેશભાઈએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડિંગના બાંધકામમાં સેફ્ટીના નિયમોનું સદંતર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. 10થી 12 માળની આટલી ઊંચી બિલ્ડિંગ હોવા છતાં સાઇટ પર કોઈ પણ પ્રકારની સેફ્ટી નેટ (જાળી) લગાવવામાં આવી નહોતી. જો નેટ લગાવેલી હોત, તો કદાચ રક્ષાબેનનો જીવ બચી શક્યો હોત. શ્રમિકોના જીવ સાથે રમત રમતા બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે માત્ર નફા પર ધ્યાન આપીને કામદારોની સુરક્ષાને નેવે મૂકી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
પુરુષોનું જોખમી કામ મહિલા પાસે કરાવાતું હોવાનો આક્ષેપ આ દુર્ઘટનામાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સમાજના અગ્રણી હિતેશ આદિવાસીના જણાવ્યા મુજબ, જે ટાઇલ્સ લગાવવાનું કામ સામાન્ય રીતે પુરુષ શ્રમિકો દ્વારા કરવામાં આવતું હોય છે, તે કામ આ મહિલા પાસે કરાવવામાં આવી રહ્યું હતું. પૂરતા સાધનો અને તાલીમ વગર મહિલાને દસમા માળે આવા જોખમી કામમાં જોતરવામાં આવતા બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે માનવતા અને કાયદા બંનેના ભંગના સવાલો ઉભા થયા છે.

