મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ નજીક મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી બસે ડિવાઈડર કૂદીને સામેની સાઈડથી આવતી કેળા ભરેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ કરુણ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.જ્યારે 13 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
લકઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા ડીવાઈડર કૂદી સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ આ અકસ્માત રાત્રિના આશરે 3 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. તે સમયે અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી હતી અને સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ ટ્રક સાથે અથડાયા બાદ સીધી રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી.
જો સીધી ટક્કર થઈ હોત તો અમારો જીવ બચાવો મુશ્કેલ હતો-ટ્રકચાલક ટ્રક ચાલક તુલસીરામે બનાવની આપવીતી જણાવતા કહ્યું હતું કે, “અમે અમારી લેનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક સામેથી લક્ઝરી બસ રોંગ સાઈડમાં આવી ગઈ હતી. કદાચ બસના ડ્રાઈવરને ઊંઘનું જોકું આવી ગયું હોય તેમ જણાય છે. બસ સાવ નજીક આવી જતાં અમે ટ્રકને ફેરવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બસ ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. જો સીધી ટક્કર થઈ હોત તો અમારો જીવ બચવો પણ મુશ્કેલ હતો.”

