Gujarat

સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સગીરાને ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાના વર્ષ 2025ના ગંભીર કેસમાં વડોદરા સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી દિપક રમેશભાઈ પરમાર (ઉં.વ. 28, રહે. પરબડી ફળિયું, ખડોધી, આણંદ)ને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂ.50 હજારનો દંડ પણ કર્યો છે. દંડની રકમમાંથી રૂ.45 હજાર ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

કન્વિક્શન રેટ ઈમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પોલીસની અસરકારક તપાસ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં આરોપી સામે સગીરાને ભગાડી લઈ જવા તેમજ તેની સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં સજાનો દર વધારવા માટે હાથ ધરાયેલા Conviction Rate Improvement Project અંતર્ગત તપાસને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

FSL અને મેડિકલ રિપોર્ટ સહિતના વૈજ્ઞાનિક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા તપાસ દરમિયાન પોલીસ ટીમે કેસ સાથે સંકળાયેલા સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા તેમજ મેડિકલ પુરાવા, FSL રિપોર્ટ સહિતના જરૂરી દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા. પુરાવાની ચેઇન ઓફ કસ્ટડી જાળવી રાખીને તપાસ પૂર્ણ કરવામાં આવી હતી અને સમયસર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

સ્પેશિયલ પોક્સો કોર્ટમાં સરકારી વકીલની ધારદાર દલીલો ત્યારબાદ વડોદરા સ્પેશ્યલ પોક્સો અને એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ પરેશ સી. પટેલે કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા અને દસ્તાવેજોના આધારે અસરકારક દલીલો રજૂ કરી હતી. પોલીસ તરફથી પણ સરકારી વકીલને જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.