પાટણ જિલ્લાના આંબાપુરા ગામના ખેડૂત નિર્મલકુમાર ચીમનભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અને ગૌઉત્પાદનોના મૂલ્યવર્ધન દ્વારા નોંધપાત્ર સફળતા મેળવી છે. તેઓ ગીર ગાય આધારિત ખેતી અને આયુર્વેદિક ઉત્પાદનોના નિર્માણ થકી વાર્ષિક આશરે રૂ. 20 થી 22 લાખની આવક મેળવી રહ્યા છે.

નિર્મલકુમાર પટેલ પાસે હાલમાં આશરે 20 ગીર ગાયો, નંદી અને વાછરડાં છે. તેમનો પરિવાર ગૌશાળા અને પ્રાકૃતિક ખેતીના સંચાલનમાં સક્રિયપણે જોડાયેલો છે. તેઓ પોતાની 10 વિઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી અડદ, મગ, ઘઉં અને બાજરી જેવા પાકોનું ઉત્પાદન કરે છે.

ખેતીની સાથે, તેઓ ગૌશાળામાંથી મળતા ગોબર અને અન્ય ગૌઉત્પાદનોનો ઉપયોગ કરીને ધૂપસ્ટિક, ગોનાઈલ, સાબુ, શેમ્પૂ, તેલ, મધ, ચા, કોફી અને વિવિધ આયુર્વેદિક ઔષધીય પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનો માટે ફાર્મ પર જ ઔષધીય છોડ ઉગાડી, તેના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવ અંગે નિર્મલકુમાર પટેલે જણાવ્યું કે, આ પદ્ધતિમાં શરૂઆતમાં ઉત્પાદન થોડું ઓછું થઈ શકે છે. જોકે, જમીનમાં અળસિયાં અને જીવસૃષ્ટિ વિકસ્યા પછી ઉત્પાદન અને જમીનની ગુણવત્તા બંનેમાં નોંધપાત્ર વધારો થાય છે. તેઓ જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાપસા જેવી પદ્ધતિઓનો નિયમિત ઉપયોગ કરે છે અને રાસાયણિક ખાતર તથા દવાઓનો સંપૂર્ણ ત્યાગ કરે છે.

તેમના મતે, પ્રાકૃતિક ખેતી સ્વાસ્થ્ય, પર્યાવરણ અને આર્થિક સમૃદ્ધિ સાથે સીધી રીતે જોડાયેલી છે, જે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થાય છે.

