પાટણ શહેરના જુના પાવરહાઉસ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો. પશુપાલકોએ પાલિકા કર્મચારીઓની ફરજમાં અડચણ ઊભી કરી, પાંજરાનો દરવાજો ખોલી ઢોરોને જાહેર રોડ પર ભગાડ્યા હતા. આ મામલે પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે બે નામજોગ અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઘટના 16 મે, 2026 ના રોજ બપોરના 3:45 વાગ્યાની આસપાસ બની હતી. પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન કરશનલાલ પાલ ઓફિસે હાજર હતા ત્યારે ઢોર પકડવાની ટીમના કર્મચારી સોલંકી જયેશભાઈ કનુભાઈએ તેમને ફોન પર જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, જુના પાવરહાઉસ ખાતે રખડતી ગાયો પકડીને પાંજરામાં પૂરી છે, પરંતુ કેટલાક સ્થાનિક લોકો લાકડીઓ લઈને માથાકૂટ કરી રહ્યા છે. આ માહિતી મળતા જ સેનેટરી ઇન્સ્પેક્ટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ઘટનાસ્થળે પાટણના રહેવાસી ભરવાડ લાલાભાઈ ગોકાભાઈ, ભરવાડ ગોકાભાઈ અને અન્ય બે અજાણ્યા શખ્સો હાથમાં લાકડીઓ સાથે હાજર હતા. પાલિકાની ટીમે કાયદેસરની ફરજ બજાવતી હોવાનું જણાવતા આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં ગાળાગાળી કરી હતી. આરોપીઓએ ઢોર ભગાડવાના ઇરાદે પાંજરાનો દરવાજો ખોલી નાખ્યો હતો. જાહેર રોડ પર વાહનો અને લોકોની અવરજવર હોવા છતાં, અકસ્માત સર્જાઈ શકે છે તે જાણતા હોવા છતાં આરોપીઓએ ઢોરોને રસ્તા પર ભગાડ્યા હતા.

