સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરના પતરાવાળી ચોકથી મલાર ચોક સુધીના માર્ગ પર પેવર બ્લોકની ફૂટપાથ બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹18 લાખ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો છે. આ લોકઉપયોગી પ્રોજેક્ટ હેઠળ, રોડની બંને બાજુએ આશરે 2000 સ્ક્વેર મીટર વિસ્તારમાં મજબૂત અને આકર્ષક પેવર બ્લોક પાથરીને આધુનિક ફૂટપાથ તૈયાર કરવામાં આવશે. આનાથી શહેરના માર્ગો વધુ સુવિધાયુક્ત બનશે.
પતરાવાળી ચોકથી મલાર ચોક સુધીનો માર્ગ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. ફૂટપાથના અભાવે રાહદારીઓને મુખ્ય રોડ પર ચાલવું પડતું હતું, જેના કારણે અકસ્માતનો ભય રહેતો હતો. નવી ફૂટપાથ બનવાથી નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સુરક્ષિત રીતે અવરજવર કરી શકશે. ઉપરાંત, રોડ પર થતું આડેધડ પાર્કિંગ અટકશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે.

મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ફૂટપાથ નિર્માણનું કામ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. કામની ગુણવત્તા ઉચ્ચ સ્તરની જળવાઈ રહે તે માટે વિસ્તારના કોર્પોરેટરો જામાભાઈ ગરીયા, મિલિનભાઈ કોઠારી, મીનાબેન જોશી અને સ્વાતિબેન માંડલિયા નિયમિતપણે સ્થળની મુલાકાત લઈને દેખરેખ રાખશે.

