પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત ભેસ્તાન-ડિંડોલી ખાતે મેયર શ્રીમતી માયાબેન માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ‘ડો.શ્યામા પ્રસાદ મુખરજી ઓક્સિજન પાર્ક‘માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ મહાઅભિયાનની સ્મરણ તકતીનું વિધિવત અનાવરણ કરીને આ આધુનિક ઓક્સિજન પાર્ક જનતાને સમર્પિત કર્યો હતો.
આ અવસરે મંત્રીએ કહ્યું હતું કે, પ્રકૃતિનું સંવર્ધન એ માત્ર આજની જરૂરિયાત નથી, પરંતુ આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરિત થઈ મહાઅભિયાનને સફળ બનાવવા માટે યોગદાન આપનારા સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા.
આ પાર્કમાં જાપાનીઝ મિયાવાંકી પદ્ધતિનો ઉપયોગ કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં ગીચ વન તૈયાર કરવા ૪૦થી વધુ સ્થાનિક પ્રજાતિના ૨૫ હજારથી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય સવર્શ્રી મનુભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, પ્રવિણભાઈ ઘોઘારી, ડે. મેયરશ્રી સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રીમતી અલ્પાબેન મેહતા અને દંડક શ્રીમતી ઉર્મિલાબેન ત્રિપાઠી, શહેર સંગઠન અધ્યક્ષ પરેશભાઈ પટેલ, કોર્પોરેટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, પર્યાવરણ પ્રેમીઓ, નેચર ક્લબ સુરત, ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત વન ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, આ ઓક્સિજન પાર્કમાં વાતાવરણમાં વધુ ઓક્સિજન મુક્ત કરતી ૪૦થી વધુ સ્થાનિક પ્રજાતિઓ જેવી કે લીમડો, પીપળો, બોરસલ્લી, શેતુર, જામફળ, આમળા, સેવન, સીતાફળ અને સરગવો વગેરેનું રોપણ કરવામાં આવ્યું છે. મિયાવાંકી જંગલની સાથે-સાથે પર્યાવરણ પ્રેમી નાગરિકો માટે ઘરઆંગણે વાવવા માટે વધારાના ૫૦૦૦ નંગ વિવિધ જાતના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
સુરતમાં પ્રકૃતિ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ નેચર ક્લબ સુરત, ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત વન ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. અભિયાનમાં વૃક્ષારોપણ સાથે લાંબા ગાળાની જાળવણી અને ઉછેર થાય તે હેતુસર હાજર તમામ શહેરીજનો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓને સામૂહિક રીતે પર્યાવરણ રક્ષાના પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત, આવનાર પેઢીમાં પ્રકૃતિ પ્રત્યે સંવેદના જાગે તે માટે વિવિધ શાળાઓના બાળકો અને સુરક્ષા વ્યવસ્થાની સાથે પર્યાવરણની સુરક્ષા કાજે પોલીસકર્મીઓ પણ આ વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.

