દેશના વડાપ્રધાન મોદીના જાહેર સેવા અને સુશાસનના સફળ 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજકોટ મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ઐતિહાસિક માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક અત્યંત ભવ્ય અને વિશાળ ‘યોગ અને ધ્યાન શિબિર’નું આયોજન કરાયું હતું. વહેલી સવારે આયોજિત આ કાર્યક્રમમાં આ સમગ્ર ગ્રાઉન્ડ મંત્રોચ્ચાર અને યોગમય વાતાવરણથી ગૂંજી ઊઠ્યું હતું.

શિશપાલજીએ 2 કલાક સુધી યોગ-ધ્યાનની ક્રિયાઓ કરાવી યોગનાં આ મહાસંગમમાં હજારોની સંખ્યામાં નાગરિકો, યુવાનો, બહેનો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહીને એકસાથે સામૂહિક રીતે વિવિધ યોગાસનો તથા પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શિશપાલજીએ શિબિરમાં હાજર તમામ લોકોને સતત 2 કલાક સુધી શારીરિક અને માનસિક સ્વસ્થતા આપતા વિવિધ આસનો, પ્રણાયામ અને ધ્યાનની ક્રિયાઓ અત્યંત સરળ શૈલીમાં કરાવી હતી. વહેલી સવારના આહલાદક વાતાવરણમાં હજારો લોકોએ એકસાથે યોગ કરી આખા રાજકોટને શારીરિક સ્વસ્થતા અને તંદુરસ્તીનો સકારાત્મક સંદેશ આપ્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સુશાસન અને જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સેવા સંકલ્પ અભિયાન હેઠળ આયોજિત યોગ શિબિર રાજકોટને સ્વસ્થતા તરફ લઈ જવાની એક અદ્ભુત પહેલ છે. આખું સ્ટેડિયમ ગ્રાઉન્ડ લોકોની ભવ્ય હાજરીથી ભરાઈ ગયું છે. જો આપણું જીવન સ્વસ્થ હશે તો જ આપણને સકારાત્મક વિચારો આવશે અને તો જ આપણે સૌ વિકસિત ભારતના નિર્માણમાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપી શકીશું, તેથી દરેકે રોજ નિયમિત યોગ કરવા જોઈએ.

