Gujarat

વેપારી સાથે વિશ્વાસઘાત કરનાર રાજકોટના 4 આરોપી ઝડપાયા, 2 દિવસના રિમાન્ડ મંજૂર

સુરતના એક પ્લાસ્ટિક ટ્રેડિંગના વેપારીને લોભામણી વાતોમાં ફસાવી 6,55,69,344ની કિંમતના પ્લાસ્ટિક પોલીમરના દાણાનો માલ મેળવી લઈ રૂપિયા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર ગેંગના વધુ 4 આરોપીઓને સુરત શહેર ઇકોસેલે રાજકોટથી ઝડપી પાડ્યા છે. કુલ 13 આરોપીઓની સંડોવણી ધરાવતા આ હાઈ-પ્રોફાઈલ ઠગાઈના ગુનામાં નાસતા ફરતા રાજકોટના આ ચારેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

લોભામણી વાતો કરી 6.55 કરોડનો માલ પચાવી પાડ્યો હતો આ સમગ્ર કૌભાંડની વિગત મુજબ, ફરિયાદી સુમિતભાઈ અગ્રવાલ પ્લાસ્ટિકના દાણાનો ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. ગત 17 મે, 2026ના રોજ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી દલાલ કરણ જાગાણી અને અન્ય મુખ્ય આરોપીઓ સહિત કુલ 13 શખ્સોએ સુમિતભાઈનો વિશ્વાસ કેળવી તેમની પાસેથી ₹6,55,69,344ની કિંમતના પ્લાસ્ટિક પોલીમરના (પી.પી.) દાણાનો માલ મંગાવ્યો હતો. માલની ડિલિવરી મેળવી લીધા બાદ તમામ વેપારીઓ અને આરોપીઓએ એક પણ રૂપિયો ચૂકવ્યો ન હતો અને પોતપોતાના ઠેકાણેથી ફરાર થઈ ગયા હતા.

ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજકોટથી 4 આરોપીઓ ઝડપાયા આ ગુનાની તપાસ સુરત શહેર ઇકોસેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. અગાઉ આ કેસમાં પોલીસે લલિત ઠાકવાની, કિરણ જાગાણી અને ઉત્તમ ભાગિયા નામના 3 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. દરમિયાન, નાસતા ફરતા અન્ય આરોપીઓને પકડવા ઇકોસેલની ટીમે ટેકનિકલ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. આરોપીઓ રાજકોટમાં હોવાની ચોક્કસ બાતમી મળતા સ્થાનિક પોલીસના સંકલનમાં રહી દરોડા પાડવામાં આવ્યા હતા અને 4 આરોપીઓને દબોચી લેવાયા હતા.