Gujarat

ઓડિશાના કારીગરોની સંગતે ગાંજાની લત લાગી, બેરોજગાર થતાં પેડલર બન્યો

શહેરમાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘NO DRUGS IN SURAT’ અભિયાન હેઠળ ચોકબજાર પોલીસને મોટી સફળતા મળી છે. ચોકબજાર સર્વેલન્સ ટીમે બાતમીના આધારે 17 નવેમ્બરના રોજ ફૂલવાડી ભરીમાતા રોડ પર સુલેમાની મસ્જિદ પાસે આવેલી રેલ રાહત કોલોનીના પ્લોટ નંબર-261ના પહેલા માળે દરોડો પાડ્યો હતો.

અહીંથી પોલીસે મૂળ બિહારના સારણ જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા 23 વર્ષીય અરબાઝ હુશૈન નિમાઝુદ્દીન અંસારીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના ઘરમાંથી 2.065 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 1,03,250 આંકવામાં આવી છે.

ઓડિશાના કારીગરો સાથે ગાંજો પીવાની લત લાગી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, આરોપી અરબાઝ અગાઉ સુરતના એક સંચા ખાતામાં કારીગર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તેની સાથે કામ કરતા ઓડિશાના અન્ય કારીગરોની સંગતમાં આવીને તેને ગાંજો પીવાની લત લાગી હતી. જોકે, થોડા સમય પહેલાં સંચા ખાતામાંથી તેની નોકરી છૂટી જતાં તે બેરોજગાર બન્યો હતો અને આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો હતો.

સરળ કમાણીની લાલચમાં ગેરકાયદે વેપલો શરૂ કર્યો આર્થિક સંકડામણ વચ્ચે ટૂંકા ગાળામાં અને સરળતાથી પૈસા કમાઈ લેવાની લાલચમાં અરબાઝે ગાંજાનું છૂટક વેચાણ શરૂ કર્યું હતું. હાલ ચોકબજાર પોલીસે રૂ. 1.03 લાખનો ગાંજાનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 20(B)(II)(B) અને 29 મુજબ ગુનો નોંધ્યો છે. આરોપી આ ગાંજો ક્યાંથી લાવતો હતો અને સુરતમાં કોને સપ્લાય કરતો હતો, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.