Gujarat

દહેગામના પાલુન્દ્રાની સીમમાંથી ૪ સટ્ટોડિયા ૧.૧૯ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની સીમમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા એક મોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દહેગામ પોલીસે પૂર્વ બાતમીના અત્રેના ખેતરમાં દરોડો પાડીને કુલ ૪ શખ્સોને નવ મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.૧.૧૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈની ટીમ પાલુન્દ્રા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે હાજીમીયા ઉસ્માનમીયા શેખ નામનો શખ્સ પાલુન્દ્રા ગામની સીમના સર્વે નંબર ૨૭૯ વાળા પોતાના ખેતરમાં કેટલાક લોકોને બોલાવી સટ્ટો રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા ચાર શખ્સો ઝાડના છાયડે બેસીને મોબાઈલ દ્વારા ગ્રાહકો સાથે ટેલીફોનીક સોદા કરતા જાેવા મળ્યા હતાં. જેમની તપાસ દરમિયાન ખૂલ્યું હતું કે, આ શખ્સો ક્રિકેટ ગુરુ એપ્લિકેશન પર રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી ટી-૨૦ મેચ પર હાર-જીતનો જુગાર રમી અને રમાડી રહ્યા હતા.

જેના પગલે પોલીસે સ્થળ પરથી પાલુન્દ્રા ગામના હાજીમીયા ઉસ્માનમીયા શેખ, ભરતભાઈ વિજુભાઈ બારોટ, મોહમદ ઈમરાનમીયા નિવાજખાન શેખ અને વસીમઅકરમ યાસીનમીયા બાવનની (રહે.હિંમતનગર) ની ધરપકડ કરી લીધી હતી.આ દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ૭૩ હજારની કિંમતના ૯ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. ૪૬,૧૦૦ની રોકડ રકમ, સટ્ટાના આંકડા લખેલી ૧૦ ચિઠ્ઠીઓ, બે ચોપડા, કેલ્ક્યુલેટર, પાવર બેંક અને અન્ય સાહિત્ય પણ મળી કુલ રૂ.૧.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.