Gujarat

નાગપુર ગામમાં ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધણી થતાં ખળભળાટ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધાયાની માહિતી RTI હેઠળ બહાર આવી છે. ગામની વસ્તી આશરે 700 અને ઘરોની સંખ્યા 170 જેટલી છે.રાજકોટ જિલ્લાના પડધરી વિસ્તારના એક પરિવારની પુત્રીનાં લગ્નની નોંધણી અંગે શંકા થતાં પરિવારે તપાસ શરૂ કરી હતી. નોંધણી ક્યાં અને કેવી રીતે થઈ તેની માહિતી મેળવતાં નાગપુર ગામનું નામ સામે આવ્યું.

ત્યારબાદ RTI હેઠળ માહિતી માગવામાં આવી હતી. તેમાં ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધાયાનો આંકડો સામે આવ્યો. રાજકોટ, જામનગર સહિત આસપાસના ગામો અને અન્ય જિલ્લાઓનાં પરિવારોનાં લગ્ન પણ નાગપુરમાં નોંધાયાની વિગતો મળી છે.RTIની માહિતી બહાર આવ્યા બાદ વહીવટી તંત્રે નાગપુરના તલાટી કમ મંત્રી જગદીશભાઈ ચાવડા પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લીધો છે.

આટલી સંખ્યામાં લગ્ન કયા આધારે નોંધાયા, દસ્તાવેજોની ખરાઈ થઈ હતી કે નહીં અને કાયદાકીય નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ થવાની બાકી છે. લગ્ન નોંધણીના દસ્તાવેજો, રહેઠાણના પુરાવા અને મંજૂરીની પ્રક્રિયા તપાસવાની માગ થઈ રહી છે. ઉચ્ચ અધિકારીઓ આગળ શું કાર્યવાહી કરે છે અને તપાસમાં શું બહાર આવે છે તેના પર નજર છે.