Gujarat

કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદના ઉદ્યોગોને શહેરથી દૂર ખસેડવાની તૈયારી

અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં સંભવિત ઓલિમ્પિક્સના આયોજનની દિશામાં શહેરના પર્યાવરણ અને શહેરી માળખામાં સુધારો કરવાની તૈયારી વચ્ચે પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોને શહેરની બહાર ખસેડવાની યોજના આગળ વધી રહી છે. આ માટે રાજ્ય સરકારે હાલના ઔદ્યોગિક વિસ્તારોની જમીનને ફ્રીહોલ્ડ કરવાની વિચારણા કરી છે, જેનો લાભ ઉદ્યોગકારોને મળી શકે છે.

વર્તમાન ઉદ્યોગ એકમ જે જગ્યાએ સ્થિત છે તે પ્લોટ તેને માલિકી હેઠળ આપી પ્રીમિયમ કે કન્વર્ઝન ચાર્જમાંથી મુક્તિ સાથે હસ્તાંતરિત કરવાની યોજના છે. સરકારે અગાઉ ઉદ્યોગ નીતિ વખતે થ્રસ્ટ યોજના હેઠળ આપવા ધારેલા લાભથી અમુક ઉદ્યોગોએ તૈયારી ન દર્શાવતા સરકાર આ વિકલ્પ આપવાની વિચારણા કરી રહી છે.

ગુજરાત સરકારે આ ઉદ્યોગોને સ્થળાંતરિત કરવા માટે ખંભાત, ખેડા, વીરમગામ અને સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં નવાં જીઆઇડીસી એસ્ટેટ સ્થાપવા માટે મન બનાવ્યું છે. આ માટે કુલ 1,700 એકર જમીન અનામત રાખી છે.

અહીં અગાઉથી જ પાણી, વીજળી, રસ્તા, ગટર ઉપરાંત કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની સુવિધા ધરાવતી ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર હશે જેથી ઉદ્યોગો માટે લગભગ પ્લગ એન્ડ પ્લે જેવી સુવિધા રહેશે. વટવા, નરોડા, ઓઢવ, દાણીલીમડા સહિતના રંગ રસાયણના ઉદ્યોગોને ખંભાત કે અન્ય દરિયાકિનારાની નજીકના સ્થળે ખસેડાઇ શકે છે જેથી તેમને ડીપ-સી પાઇપલાઇન થકી હાનિકારક તત્ત્વોથી મુક્ત કરાયેલા પ્રવાહી દરિયામાં છોડવાની સરળતા રહે.