લાખણી તાલુકાના કુવાણા ગામે શુક્રવારે ભવાની પાન પાર્લર પાસે ધોળે દિવસે થયેલી કરપીણ હત્યાનો ભેદ વાવ-થરાદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતનો બદલો લેવા માટે આરોપીઓએ અગાઉથી જ કાવતરૂં ઘડી હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા 100થી વધુ સ્થળોની તપાસ કરી પોલીસ ગાડીના મૂળ માલિક સુધી પહોંચી હતી. હત્યાનો ભેદ ઉકેલાયો પણ પિસ્તોલ ક્યાં? ધોળેદિવસે ફાયરિંગ કરનાર શાર્પ શૂટર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
પોલીસ તપાસ મુજબ, મૃતક શામળભાઈ ફોટાભાઈ ભીલ (રહે. ભલીસર, બાડમેર) સામે 12 ઓગસ્ટ 2025ના રોજ બુકણા ગામના અભાભાઈ સુજાજી ગોહિલની હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં જામીન પર મુક્ત થયેલો શામળભાઈ શુક્રવારે થરાદ સેશન્સ કોર્ટમાં તારીખ પૂરી કરીને પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન અભાભાઈના પરિવારજનો અને સાગરીતોએ અગાઉની અદાવતનો બદલો લેવા માટે પ્લાન બનાવ્યો હતો.
જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી સહિત પોલીસની 10થી વધુ ટીમોએ તપાસ હાથ ધરી હતી. ગાંધીનગર ત્રિનેત્ર.નેટવર્ક, જિલ્લા નેત્રમ પ્રોજેક્ટના 100થી વધુ CCTV કેમેરા, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે કિરણ ગોહિલ, શિવાજી ગોહિલ, મહેશ ગોહિલ, સુજાજી ગોહિલ અને ભરત ગોહિલને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

