સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સૌથી મોટી ગણાતી જામનગરની ગુરુ ગોવિંદસિંગ (જી.જી.) સરકારી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. વર્ષ 2024માં રાજ્ય સરકાર દ્વારા હૃદયરોગના દર્દીઓની સુવિધા માટે અત્યાધુનિક કેથ લેબ (Cath Lab) સ્થાપવા માટે ₹7 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને સંકલનના અભાવે આ ગ્રાન્ટનો ઉપયોગ થઈ શક્યો નથી અને અંતે આ રકમ સરકારમાં પરત ખેંચાઈ ગઈ છે.
જામનગર અને આસપાસના દેવભૂમિ દ્વારકા જિલ્લાના હજારો દર્દીઓ હૃદયરોગની સારવાર માટે જી.જી. હોસ્પિટલ પર નિર્ભર છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જેવી સુવિધાઓ ઘરઆંગણે મળી રહે તે હેતુથી સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા હતા. પરંતુ વર્ષ્ 2024માં કેથ લેબ ક્યાં બનાવવી તેને લઈને લાંબો સમય કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નહીં. વહીવટી તંત્ર દ્વારા જરૂરી મશીનરીની ખરીદી કે બાંધકામ માટેના ટેન્ડરો સમયસર બહાર પાડવામાં આવ્યા નહીં.
સરકારી નાણાં પરત જવાથી જામનગરની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં હૃદયરોગના ગંભીર દર્દીઓને કાં તો ખાનગી હોસ્પિટલોમાં લાખોનો ખર્ચ કરવો પડે છે અથવા તો ગંભીર હાલતમાં રાજકોટ કે અમદાવાદ રીફર થવું પડે છે. ઘણીવાર રસ્તામાં જ દર્દીઓ દમ તોડી દેતા હોય છે.
જ્યારે સરકાર આરોગ્ય પાછળ કરોડોનો ખર્ચ કરવાની તૈયારી બતાવે છે, ત્યારે સ્થાનિક સ્તરે આવી બેદરકારી કેમ? શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે? આ ઘટનાએ સાબિત કર્યું છે કે માત્ર બજેટ ફાળવવાથી સુવિધા નથી મળતી, પણ તેને અમલમાં મૂકવાની દાનત હોવી પણ જરૂરી છે. આ એક ગંભીર વહીવટી નિષ્ફળતા છે જે સીધી રીતે સામાન્ય માણસના જીવ સાથે જોડાયેલી છે. જો સમયસર કામગીરી થઈ હોત, તો આજે જામનગરના અનેક દર્દીઓના જીવ બચાવી શકાયા હોત.

