Gujarat

4 વર્ષ પહેલા 2 માસૂમ બાળકોની હત્યાનો કેસ

જામનગરના કાલાવડ તાલુકાના પીઠડીયા-1 ગામમાં 4 વર્ષ પહેલા પોતાના 2 માસૂમ બાળકોને કૂવામાં ફેંકીને મોતને ઘાટ ઉતારનાર માતાને અદાલતે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

2022માં ગુનો આચર્યો પીઠડીયા-1 ગામમાં ખેતમજૂરી કરતા શ્રમિક બદીયા પલાસની પત્ની ચકુબેન (ઉંમર 26) એ 17 ઓક્ટોબર 2022ના રોજ આ ખોફનાક પગલું ભર્યું હતું. આરોપી મહિલાએ પોતાના 5 વર્ષના પુત્ર દેવરાજ અને માત્ર 3 મહિનાની પુત્રી રીયાને ખેતરના કૂવામાં ફેંકી દીધા હતા. પાણીમાં ડૂબી જવાથી બંને બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા.

ઘટના બાદ મહિલા પણ લાપત્તા થઈ ગઈ હતી. જોકે, બીજા દિવસે કૂવામાં બાળકોના મૃતદેહ તરતા મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી બાળકોની હત્યાના આરોપસર ચકુબેનની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી હતી.

અદાલતનો ચુકાદો આ કેસ જામનગરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ ભારતી વાદીની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એસ.એમ. ક્રિષ્ટીએ આરોપી મહિલાને દોષિત જાહેર કરી હતી. અદાલતે માનવતાને શરમાવતી આ ઘટનામાં કડક વલણ અપનાવી મહિલાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.