Gujarat

બાળકીને અડપલાં કરનાર 81 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની કેદ

શહેરના માધવપુરા વિસ્તારમાં વર્ષ 2024માં ચોકલેટ લેવા દુકાને ગયેલી પાંચ વર્ષની બાળકીને શારિરિક અડપલા કરનાર 81 વર્ષિય વૃદ્ધને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ પોક્સો કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. આરોપીએ બાળકીને દુકાનમાં બોલાવી અડપલાં કર્યા શહેરના માધવપુરા વિસ્તારમાં 81 વર્ષિય તફઝુલ હુસેન કુરેશી દુકાન ધરાવી વેપાર કરતા હતા. 19 ઓક્ટોબર, 2024ના રોજ તેમના જ વિસ્તારમાં રહેતી 5 વર્ષિય બાળકી ચોકલેટ લેવા ગઇ હતી. ત્યારે તફઝુલે બાળકીને દુકાનમાં બોલાવી અડપલાં કર્યા હતા. આ મામલે પરિવારને જાણ થતા માધવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

કોર્ટે આરોપીને પાંચ વર્ષ કેદની સજા ફટકારી આરોપી સામે 10 સાહેદ અને 11 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો હતો. સરકારી વકીલે જણાવ્યું હતું કે આવા કિસ્સા વધી રહ્યાં છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી સખત સજા કરવી જોઇએ. બીજી તરફ આરોપી તરફે ઉંમરને ધ્યાને રાખી ઓછી સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપી તફઝુલને પાંચ વર્ષ કેદની સજા કરી જેલના હવાલે મોકલી આપ્યો છે.