Gujarat

વઢવાણમાં 94.38 લાખનો જપ્ત દારૂનો નાશ

વઢવાણના સ્વામીની ખાણ ખાતે સુરેન્દ્રનગર પોલીસે મોટા પ્રમાણમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કર્યો છે. આ દારૂની કિંમત 94.38 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલી કુલ 11,725 ઇંગ્લિશ દારૂની બોટલોનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત 94,38,463 રૂપિયા થાય છે.

વઢવાણ એસડીએમ મેહુલ ભરવાડ અને એએસપી વેદીકા બિહાની સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા કોર્ટના આદેશ અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન, જોરાવરનગર પોલીસ સ્ટેશન અને વઢવાણ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલો આ દારૂનો જથ્થો હતો. આ પ્રસંગે સંબંધિત પોલીસ અધિકારીઓ અને સ્ટાફ પણ હાજર રહ્યા હતા.