ભાવનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે કારણ કે, વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામે રહેતા એક ૯ વર્ષીય બાળકને અચાનક તાવ, ઉલટી અને મગજના સોજા (એન્સેફેલાઇટિસ) જેવા ગંભીર લક્ષણો જણાતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. બાળકની તબિયત વધુ લથડતા તેને ગત ૮ જુલાઈએ તાત્કાલિક ભાવનગરની સરકારી હોસ્પિટલ (સર ટી. હોસ્પિટલ) ના સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં શિફ્ટ કરાયો હતો. જાેકે, વાયરસની ગંભીરતા એટલી વધારે હતી કે દાખલ કર્યાના બીજા જ દિવસે એટલે કે ૯ જુલાઈએ બાળકે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
બાળકની અંદર ચાંદીપુરા જેવા જ લક્ષણો દેખાતા હોવાથી હોસ્પિટલના તબીબોએ પ્રોટોકોલ મુજબ તેના બ્લડ અને સીરમ સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે પુણે મોકલી આપ્યા હતા. આજે જાહેર થયેલા સત્તાવાર લેબ રિપોર્ટમાં આ બાળકનું મોત ચાંદીપુરા વાયરસના કારણે જ થયું હોવાની પુષ્ટિ થઈ છે. ભાવનગર જિલ્લામાં આ વાયરસથી મોતનો આ પ્રથમ સત્તાવાર કેસ સામે આવતા જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ની ટીમ હરકતમાં આવી છે.
મેલાણા ગામમાં તાકીદે આરોગ્ય વિભાગની ૫ થી વધુ ટીમો રવાના કરવામાં આવી હતી. જે કાચા મકાનો કે પશુઓના ગમાણ છે, ત્યાં સેન્ડફ્લાય (રેતીની માખી) ના નાશ માટે મેલાથિયોન પાવડરનું ડસ્ટિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત, ગામના અન્ય બાળકોમાં તાવ કે અસામાન્ય લક્ષણો છે કે નહીં તેની તપાસ માટે ડોર-ટુ-ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. તબીબોએ ગ્રામજનોને અપીલ કરી છે કે જાે કોઈ બાળકને અચાનક તીવ્ર તાવ આવે, આંચકી આવે કે બેભાન જેવી સ્થિતિ થાય, તો સ્થાનિક ભુવા-ભગત પાસે જવાના બદલે તાકીદે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરવો.

