જૂનાગઢ શહેરમાં નારી અને માસૂમ બાળકીઓની સુરક્ષાને લઈને ચકચાર મચાવતી બે શરમજનક ઘટનાઓ સામે આવી છે. પ્રથમ કિસ્સામાં 66 વર્ષના વિકૃત વૃદ્ધે ગરીબ પરિવારની 9 વર્ષની દીકરીને લલચાવી-ફોસલાવીને એક મહિનામાં ત્રણ વખત દુષ્કર્મનો ભોગ બનાવી હતી. જ્યારે બીજા બનાવમાં, શહેરના મુખ્ય બજારમાં ખરીદી કરવા આવેલી મહિલા સાથે દુકાનના કર્મચારીએ અડપલાં કરી છેડતી કરી હતી. જૂનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસે બંને કેસમાં તાત્કાલિક એક્શન લઈ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
ખૈરાતના બહાને લઈ જઈ છરીની અણીએ માસૂમ સાથે દુષ્કર્મ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર, ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવારની 9 વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારાયો હોવાની ફરિયાદ મળી હતી. તપાસમાં સામે આવ્યું કે વાહનોમાં કલર-પેઇન્ટિંગનું કામ કરતો 66 વર્ષીય અફઝલ શેખ (અફઝલ ગેરેજવાળો) તહેવારો નિમિત્તે ખૈરાત આપવાની લાલચ આપીને બાળકીને પોતાના ઘરે લઈ ગયો હતો. છેલ્લા એક મહિનામાં તે ત્રણ વખત બાળકીને ઘરમાં પૂરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો.

પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે 66 વર્ષીય આરોપી અગાઉ છ વખત લગ્ન કરી ચૂક્યો છે અને તે ગંભીર માનસિક વિકૃતિ ધરાવે છે. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરીને સાયબર ક્રાઈમની મદદથી ડેટા રિકવરીની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી તેણે અન્ય કોઈ બાળકી કે મહિલા સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ તેની વિગતો મેળવી શકાય. આ સાથે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ અન્ય વ્યક્તિ પણ આ શખ્સનો ભોગ બની હોય તો નિર્ભય થઈને ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.

સાડીની દુકાનમાં ખરીદી કરવા આવેલી મહિલાની છેડતી બીજી ઘટના જૂનાગઢ શહેરના માંગનાથ રોડ પર આવેલી જાણીતી ‘દુલ્હન ડ્રેસીસ’ નામની દુકાનમાં બની હતી. અન્ય જિલ્લામાંથી પરિવાર સાથે જૂનાગઢ ફરવા આવેલી મહિલાઓ જ્યારે કપડાંની ખરીદી કરવા માટે આ શોપમાં ગઈ હતી, ત્યારે ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતા વસીમ ઈબ્રાહિમ સિડા (રહે. સુકનાથ ચોક) નામના શખ્સે કપડાં બતાવવાના બહાને વિકૃતિ દર્શાવી હતી. આરોપીએ મહિલાનો બળજબરીપૂર્વક હાથ પકડી અડપલાં કરી છેડતી કરતાં પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

