જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુશ ગામ પાસે કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી કે લાયકાત વગર દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા બોગસ ડોક્ટરને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. મૂળ પશ્ચિમ બંગાળનો આ શખ્સ દર્દીઓને એલોપેથિક દવાઓ અને ઈન્જેક્શન આપીને સારવારના નામે નાણાં વસૂલતો હતો. પોલીસે સ્થળ પરથી દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂ.7,317નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પશ્ચિમ બંગાળના શખ્સને ઝડપી પાડ્યો SOG ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, આરબલુશ ગામ નજીક એલ.સી.-8 ગેટ સામે આવેલી કોલોનીમાં એક શખ્સ તબીબી ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યો છે. બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ક્રિષ્નાનગર (ડિગ્રીગામ)નો વતની અને હાલ આરબલુશ ગામની કોલોનીમાં રહેતો પારીતોષ મનોજંય બિશ્વાસ કોઈપણ તબીબી ડિગ્રી વગર દર્દીઓને તપાસી દવાઓ અને ઈન્જેક્શન આપતો હોવાનું સામે આવ્યું હતું.

